AMCએ છેલ્લા બે વર્ષ દરમિયાન 5072 AMTS બસ સ્પેશીયલ વર્ધી માટે લીધી
રાજકીય હેતુ માટે બસનો ઉપયોગ થયો હોવાથી તેનો ખર્ચ કોર્પાેરેશન ન ચુકવે ઃ શહેજાદખાન પઠાણ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાન્સપોર્ટ સર્વિસને દૈનિક રૂા.૧ કરોડની લોન આપવામાં આવે છે. એએમટીએસની આર્થિક સ્થિતિ નબળી હોવાથી સદર રકમ પરત કરી શકે તેમ નથી
પરંતુ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા થતા રાજકીય કાર્યક્રમોમાં ભીડ એકત્રિત કરવા માટે એએમટીએસની બસોનો ઉપયોગ કરવામાં આવે છે તથા તેની સ્પેશીયલ વર્ધીની રકમ સરભર કરી એએમટીએસને પરોક્ષ રીતે દેવા મુકત કરવા પ્રયાસ થાય છે તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદખાન પઠાણે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે દેશ-વિદેશથી આવતા મહાનુભવોના કાર્યક્રમોમાં ભીડ એકત્રિત કરવા માટે તમામ ૪૮ વોર્ડમાં એએમટીએસની બસ મોકલવામાં આવે છે આ કાર્યક્રમો મોટાભાગે રાજકીય હોય છે તેમ છતાં તેનો ખર્ચ મ્યુનિ. કોર્પોરેશન ભોગવે છે.
એક અંદાજ મુજબ છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ પ૦૭ર બસ સ્પેશીયલ વર્ધી માટે લેવામાં આવી છે જે પેટે રૂા.૩.૧ર કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ થયો છે. સદર રકમ એએમટીએસને આપવામાં આવેલી લોન પેટે જમા કરવામાં આવશે. એએમટીએસ પાસે હાલ કુલ ૬૦૦ બસ છે
જે પૈકી કેટલાક કાર્યક્રમોમાં ૮૦ ટકા સુધીની બસો સ્પેશીયલ વર્ધીમાં લેવામાં આવે છે જેના કારણે જાહેર પરિવહનને માઠી અસર થાય છે અને પ્રજા પરેશાન થાય છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા યુકે ના પ્રધાનમંત્રીના રોડ શો દરમિયાન ર૭૯ બસ, મોરેશિયસ પ્રધાનમંત્રીના રોડ શો માટે રરપ બસ, અને નમસ્તે ટ્રમ્પ રોડ શો માટે પ૭૮ બસ લેવામાં આવી હતી જે મુખ્ય હતી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.