Western Times News

Gujarati News

ઝવેરચંદ મેઘાણી હોલનું ભાડુ વધારતા કલાકારો અને આયોજકો નારાજ

(એજન્સી) ભાવનગર, કલાનગરી ભાવનગરે રાજ્યને અને દેશને અનેક કલાકારો આપ્યા છે. આ કલાનગરીમાં યશવંતરાય નાટ્યગૃહ છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાઈ રહ્યો છે. લાખો રૂપિયા હોલના રિનોવેશનના નામે ખર્ચ કર્યા બાદ પણ હાલ હોલ બંધ હાલતમાં છે.

બીજી તરફ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમના ભાડામાં બે ગણો વધારી દેવાતા કલાકારો અને આયોજકોમાં રોષ ફેલાયો છે. યુસેઝ ચાર્જિંસના નામે હોલનું ત્રીજી શિફ્ટનું ભાડું બે ગણું વધાર્યું હોવાની રાવ છે. ત્યારે દિવાળી ટાણે કલાકારો અને આયોજકોનો માહોલ બગડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

આ સંજાેગોમાં કોંગ્રેસ પક્ષ અને ભાવનગર સ્ટેજ ઓર્ગેનાઇઝર્સ એન્ડ આર્ટિસ્ટ એસોસિએશને મનપા કમિશનરને આવેદન આપ્યું છે અને રજૂઆત કરી છે, કે હોલનું વધારેલું ભાડું ઓછું કરવામાં આવે. એક તરફ યશવંતરાય નાટ્યગૃહ બંધ છે, તો બીજી તરફ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમનું બે ગણું ભાડું. સમગ્ર ગુજરાત કે જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા કે જામનગર હોય. કોઇ પણ જગ્યા પર કાર્યક્રમ હોલનું આટલું ભાડું નથી લેવાતું.

રાજકોટના હેમુ ગઢવી હોલનું ભાડું ૨૮થી ૩૦ હજાર સુધીનું છે. જેમાં લાઇટ બિલ સહિત અન્ય ખર્ચ આવી જાય છે. અમદાવાદના ટાગોર હોલનું ભાડું ૨૫ હજાર છે. ત્યારે ભાવનગરમાં હોલનું ભાડું ૩૯ હજાર સુધી પહોંચી જાય છે. તેમજ અન્ય ખર્ચ પણ લેવાય છે.

પહેલા ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલનું ભાડું ૨૪ હજાર જેટલું આવતું હતું. હવે તેના બદલે ૪૪ હજાર જેટલું ભાડું ચૂકવવું પડે છે. પ્રેક્ષકોને પાણીની બોટલ પણ અંદર નથી લઇ જવા દેતા. જેને લઇ રોષનો માહોલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.