અમદાવાદના એરપોર્ટ સર્કલથી ઈન્દીરા બ્રીજ સુધી આઈકોનીક રોડ બનાવવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ પ્રવેશદ્વારોને આકર્ષક અને આઈકોનીક બનાવવા માટે ઘણા વર્ષોથી જાહેરાત કરવામાં આવી રહી છે જેનો નક્કર અમલ હવે થઈ રહયો છે.
શહેરના એરપોર્ટ સર્કલથી ઈન્દીરા બ્રીજ સુધી પીપીપી ધોરણે આઈકોનીક રોડ બનાવવામાં આવશે જેનું કામ વાયબ્રન્ટ સમીટ પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા છે. શહેરના એરપોર્ટ સર્કલથી ઈન્દીરાબ્રીજ સુધી સીટી એન્ટ્રી અંતર્ગત આઈકોનીક રોડ બનાવવામાં આવી રહયો છે તેના માટે મ્યુનિ. કોર્પો. દ્વારા આરએફપી મંગાવવામાં આવ્યા હતાં જે અંતર્ગત રાજહંસ ઈન્ફ્રાકોર્નને સદર રોડ બનાવવા માટે કામ સોંપવામાં આવ્યું હતું.
મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ ઈન્દીરા સર્કલથી તાજ સર્કલ સુધીનો રોડ આઈકોનીક બનાવવામાં આવી રહયો છે. જે ગાંધીનગર અને અમદાવાદ મહાનગરપાલિકાને જોડતો મુખ્ય રસ્તો છે આ રોડ પર વીઆઈપી અને વીવીઆઈપીની અવરજવર વધુ રહે છે. સદર રોડ પર મુખ્ય રસ્તા ઉપરાંત સર્વિસ રોડ,
ફુટપાથ, પાર્કિગ, લેન્ડ સ્કેપ, સ્ટ્રીટ લાઈટ જેવી કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત પ્લેસમેકીંગની અંદર ડેકોરેટીવ લાઈટ, ફુવારા, વોટર બોડી, રાત્રિ સમયે ઝાડ પર લાઈટીંગ, રિક્રિએશન એકટીવીટી ટ્રાફિક આઈલેન્ડ, સ્ટ્રાન્ડર્ડ બસ સ્ટેન્ડ, સેલ્ફી પોઈન્ટ, હાઉસ કીપીંગ ડેવલોપમેન્ટ એરિયા, સીકયુરીટી સ્ટાફ વગેરે સવલત પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
સદર રોડ રાજહંસ ઈન્ફ્રાકોર્ન સ્વખર્ચે તૈયાર કરવામાં આવશે તથા તેની ૧પ વર્ષ સુધીની તમામ ઓપરેશન એન્ડ મેઈન્ટેન્સની જવાબદારી પણ તેના શીરે રહેશે જેની સામે કોન્ટ્રાકટરને જાહેરાતના ૭પટકા રાઈટસ ૧પ વર્ષ માટે આપવામાં આવશે. એરપોર્ટ રોડથી ઈન્દીરાબ્રીજ સર્કલ સુધી તૈયાર થનારા આઈકોનીક રોડની લંબાઈ અંદાજે ૧.૭ કિ.મી. પહોળાઈ ૬૦ મીટર રહેશે.
આ ઉપરાંત બંને તરફ ૭.પ મીટરના સર્વિસ રોડ ૩.પ મીટરની ફુટપાથ પણ બનાવવામાં આવશે. તદઉપરાંત બંને તરફ ૯.૯ મીટર પહોળાઈના મેઈન કેરેજ વે પણ તૈયાર કરવામાં આવશે. ભવિષ્યમાં આજ થીમ પર શહેરના નરોડા, અસલાલી, સરખેજ સહિતના એન્ટ્રી પોઈન્ટ પણ બનાવવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.