31મી ડિસેમ્બર પહેલાં ગુજરાતમાં દારૂ ઘૂસાડવા બુટલેગરે બનાવી અદભૂત યોજના
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા બામણબોર ચેકપોસ્ટથી થોડી દૂર ૧ઃ૦૦ વાગ્યાના અરસામાં રાજસ્થાનના સાંચોર જિલ્લાના મંગળારામ ગોદરા નામના વ્યક્તિને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો
રાજકોટ, શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થર્ટી ફર્સ્ટ પૂર્વે ૪૦ લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા બામણબોર ચેકપોસ્ટથી થોડી દૂર ૧ઃ૦૦ વાગ્યાના અરસામાં રાજસ્થાનના સાંચોર જિલ્લાના મંગળારામ ગોદરા નામના વ્યક્તિને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે જુદી જુદી બ્રાન્ડની ૮,૮૦૦ થી પણ વધુ બોટલો કબજે કરી છે. તો સાથે જ અશોક લેલન્ડ કંપનીનું ટેન્કર સહિત ૫૦ લાખથી પણ વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે.
ત્યારે સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ રાજકોટ સીટી ક્રાઈમ બ્રાન્ચ ખાતે પ્રોહિબિશન ની કલમ હેઠળ ગુનો દાખલ પણ કરવામાં આવ્યો છે. પોલીસથી બચવા ટેન્કરમાં ચોરખાના બનાવીને દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો મોટો જથ્થો ચોટીલાથી રાજકોટ તરફ આવી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવતા એક ટેન્કર વડોદરા પાસે સ્થળ પરથી પસાર થયું હતું. જેને અટકાવીને ડ્રાઇવરની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મંગળારામ હોવાનું જણાવ્યું હતું.
ટેન્કરમાં તપાસ કરતાં ડિઝલ ટેન્કની ઉપર એક અલગથી પતરું જોવા મળ્યું હતું. જે પતરું હટાવતાની સાથે અંદરથી ચોરખાનું જોવા મળ્યું હતું. ત્યારબાદ ચોરખાનાની અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. ત્યારે હાલ તો પોલીસ દ્વારા બુધવારના રોજ આરોપીને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવામાં આવશે.
આરોપી દ્વારા વિદેશી દારૂનો માલ કઈ જગ્યાએથી ભરવામાં આવ્યું હતું. તેમજ માલની ડીલેવરી તે કોને કરવાનો હતો તેમજ કયા બુટલેગર દ્વારા આટલી મોટી રકમનો દારૂ મંગાવવામાં આવ્યો હતો તે સહિતની બાબતો અંગે પૂછપરછ હાથ ધરવામાં આવશે. ત્યારે પોલીસ તપાસમાં કયા મોટા બુટલેગરનું નામ સામે આવે છે તે જુઓ અતિ મહત્વનું બની રહેશે.SS1MS