એલીસબ્રીજમાં રપમા માળેથી પડતું મુકી યુવકની આત્મહત્યા
મેઘાણીનગરમાં યુવકે ગળેફાંસો ખાધો
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું છે આ દરમિયાનમાં શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં આવેલા તક્ષશીલા એલ બિલ્ડીંગના રપમા માળેથી પડતું મુકી ઘોડાસરના યુવકે આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે. જયારે મેઘાણીનગરમાં એક યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે શહેરના ઘોડાસર વિસ્તારમાં બંગીરાજ બંગલોઝમાં રહેતો ભાવિનભાઈ મનોજભાઈ નીમન (Bhavik Manojbhai Niman, Res. of Bangiraj Bunglows, Ghodasar, Ahmedabad) નામનો રર વર્ષનો યુવાન માનસિક રીતે ત્રસ્ત જણાતો હતો આ દરમિયાનમાં સોમવારે બપોરના ૧.૦૦ વાગ્યાના સમયે ભાવિન નીમન ટાઉનહોલની પાછળના ભાગે આવેલ તક્ષશીલા એર બિલ્ડીંગમાં (Takshashila Air Building Near Town Hall, Ellisbridge) પહોચી ગયો હતો અને ત્યા બિલ્ડીંગના રપમા માળેથી મોતની છલાંગ લગાવી હતી.
રપમા માળેથી પટકાતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ અંગે એલીસબ્રીજ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ તપાસ શરૂ કરી હતી અને ભાવિનભાઈના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો ખૂબજ વ્યથિત બની ગયા હતાં આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે. પરંતુ કારણ જાણવા મળ્યું નથી.
આત્મહત્યાનો બીજા બનાવ મેઘાણીનગર વિસ્તારમાં બન્યો હતો મેઘાણીનગરમાં જયઅંબે સોસાયટીમાં રહેતા જગનસિંહ બધેલ નામના ૩૦ વર્ષના યુવકે ગઈકાલે સવારે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી
પરિવારજનોએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. યુવકને ગંભીર હાલતમાં સારવારઅર્થે રાજસ્થાન હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે જગનસિંહને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે.