એક જ બિલ્ડીંગમાંથી ગઠિયો એક સાથે નવ યુવાનોના મોબાઈલ ઉઠાવી જતાં હોબાળો
વિજય ચાર રસ્તા પાસેની ચોંકાવનારી ઘટના: ગઠિયો કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ ઉઠાવી ગયો
(એજન્સી)અમદાવાદ, શહેરના વિજય ચાર રસ્તા નજીક આવેલી એક બિલ્ડિંગના ત્રમ રૂમમાંથી નવ કરતાં વધુ મોબાઈલ ફોનની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. ગુજરાતના અલગ અલગ શહેરોના વિદ્યાર્થી તેમજ નોકરી કરતાં યુવકો મેમનગર ફાયર સ્ટેશનની બાજુમાં આવેલા પીપલ્સ પ્લાઝા બિલ્ડિંગમાં રહેતા હતા.
વહેલી સવારે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી નવ યુવકોના મોબાઈલ ફોન તેમજ ડોક્યુમેન્ટની ચોરી કરીને ગઠિયો નાસી છૂટ્યો છે. સવારે યુવકો ઉઠ્યા ત્યારે મોબાઈલ ફોન ચોરી થયા હોવાનું સામે આવતાં હોબાળો મચી ગયો હતો.મોબાઈલ ચોર કોઈ જાણભેદુ હોય તેવું ત્લાગી રહ્યું છે. ત્યારે પોલીસે તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
વિજયસર્કલ નજીક આવેલા મેમનગર ફાયર સ્ટેશન પાસે આવેલી પીપલ્સ પ્લાઝા બિલ્ડિંગના પાંચમાં માળે રહેતાં અને લો ગાર્ડન ખાતે આવેલી જીએલએસ કોલેજમાં અભ્યાસ કરતાં ગૌતમ ચોમલે મોબાઈલ ચોરીની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કરી છે. ગૌમત ચોમલ મૂળ ગીર સોમનાથનો રહેવાસી છે અને અમદાવાદમાં અભ્યાસ માટે આવ્યો છે. ગૌતમના રૂમમાં નીલેશ નામનો વિદ્યાર્થી પણ રહે છે.
સવારે પાંચ વાગ્યાની આસપાસ ગૌતમ તેનો મોબાઈલ ઓશિકા નીચે મૂકીને સૂઈ ગયો હતો અને સવારરે પોણા આઠ વાગ્યે ઉઠ્યો હતો. ઉઠીને મોબાઈલ લેવા ઓશિકું ઉંચું કર્યું ત્યારે તેનો મોબાઈલ ગાયબ હતો. આ બાબતે તેણે તેની સાથે રહેતા નીલેસને પૂછ્યું હતું તો તેનો પણ મોબાઈલ ફોન ગુમ હોવાનુ સામે આવ્યું હતું. બે મિત્રોના મોબાઈલ ગુમ થતાં તેમણે રૂમ નંબર ૫૩માં રહેતા ભૌમિકને જઈને પૂછ્યું હતું તો તેનો મોબાઈલ પણ ગુમ હતો.
ભૌમિકે તેની પાસે રહેતા જતીન વરમોરાને તેના મોબાઈલ મામલે ચેક કરવાનું કહ્યું તો તેનો પણ મોબાઈલ ગુમ હતો. ભૌમિક અને જતીનના રૂમમાં રહેતા પાલસિંહ ડાભીનો પણ મોબાઈલ મળી આવ્યો ન હતો.
આ બાબતે તમામ યુવાનો ભેગા થઈને છઠ્ઠા માળ પર પૂછવા માટે ગયા હતા જ્યાં ૬૪ નંબરના રૂમમાં રહેતા હેમાંગ સોલંકીનો મોબાઈલ સ્વયંમ સોલંકીના મોબાઈલ ફોન પણ ગાયબ હતા. એક સાથે નવ યુવકોના મોબાઈલ ફોન ચોરાતાં આખી બિલ્ડીંગમાં ચર્ચાનો વિષય બની ગયો હતો જ્યારે તમામ વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ મામલે નવ યુવકના મોબાઈલ ફોનની વિગતો લઈને ચોરીનો ગુનો નોંધ્યો છે.સવારના પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીના ગાળામાં ગઠિયાએ ત્રણ રૂમમાં ઘુસીને નવ મોબાઈલ ફોનની ચોરી કરી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ભેદા ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.