વડોદરાના નવા જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા બી. એ. શાહ
વડોદરા, વડોદરાના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા અતુલ ગોરની મુખ્યમંત્રીના કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે બદલી થતાં તેમના સ્થાને નિયુક્ત પામેલા બીજલ શાહે આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વિધિવત્ત પદભાર સંભાળી લીધો છે. નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ અને તેમની આગેવાનીમાં અન્ય અધિકારીઓએ બીજલ શાહનું સ્વાગત કર્યું હતું.
આ સાથે જ તેમણે પ્રાંત અધિકારીઓ અને મામલતદારો સાથે પરિચયાત્મક બેઠક યોજી સરકારના વિવિધ પ્રોજેક્ટની માહિતી મેળવી હતી. પદભાર સંભાળ્યા બાદ બી. એ. શાહે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાના સમગ્રતયા વિકાસ માટેના પ્રયત્નોને આગળ ધપાવવામાં આવશે. જિલ્લામાં સેવાકીય બાબતો અને આંતરમાળખાકીય સુવિધાઓનો વ્યાપ વધારીને આયામોમાં સતત પ્રગતિ કરવામાં આવશે.
સુઓમોટો વારસાઈ ઝુંબેશ હેઠળ ડોરસ્ટેપ સુધી જઈને વારસાઈની એન્ટ્રી પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત જિલ્લાના નાગરિકોની જનસુખાકારી અને જન સુવિધાઓમાં વધારો થાય તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિવિધ સરકારી યોજનાઓનો અસરકારક અમલ થાય તે માટે સતત કાર્યશીલ રહીશું.
વડોદરા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર શાહ આ અગાઉ જામનગર અને બોટાદમાં જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી પોતાની વહીવટી કુશળતાનો પરિચય આપી ચૂક્યા છે. બીજલ શાહ ૨૦૦૯ ની બેચના સનદી અધિકારી છે.