ગોધરા કમલમ ખાતે લોકસભા સીટ માટે ૩૫થી વધુ ઇચ્છુક દાવેદારોના અભિપ્રાય લેવાયા
(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાની લોકસભા બેઠક માટે આજરોજ ગોધરા શહેરના કમલમ ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રદેશમાંથી નિયુક્ત કરાયેલા હોદેદારો દ્વારા તબક્કાવાર અપેક્ષિત હોદ્દેદારોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા અને ૩૫ થી વધુ ઇચ્છુક દાવેદારોએ સમર્થકોના માધ્યમથી પોતાના બાયોડેટા રજૂ કર્યા હતા.
ત્રણ જિલ્લાની સાત વિધાનસભાનું બાહુલય ધરાવતી પંચમહાલ લોકસભા બેઠક ઉપર માજી ધારાસભ્યો સહિત વર્તમાન સાંસદ અને અન્ય ઇચ્છુક દાવેદારો ઉપસ્થિત રહી પોતાના બાયોડેટા રજૂ કર્યા હતા.
લોકસભાની ચૂંટણી જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે ત્યારે ભાજપ સહિત કોંગ્રેસ પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ભાજપ દ્વારા ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
ત્યારે પંચમહાલ મહીસાગર જિલ્લામાં સમાવેશ થતી ૧૮ લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અને પ્રદેશ મહામંત્રી મહિલા મોરચાના ડોક્ટર તૃપ્તિબેન વ્યાસની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.