Western Times News

Gujarati News

પત્નીનાં લગ્ન બીજે થઈ જતાં ભૂતપૂર્વ પતિએ સાસુને દોડાવીને પેટમાં ચપ્પુ માર્યુ

અમદાવાદ: પ્રેમલગ્ન કર્યા બાદત્રણ જ મહિનામાં છુટાછેડા લઈ લીધા બાદ અન્યત્ર લગ્ન કરી લેતાં યુવતીનાં પૂર્વ પતિએ યુવતીની માતાને દોડાવીને જાહેર રોડ ઉપર જ પેટમાં ચપ્પુ હુલાવી દીધું હોવાની ઘટના બહાર આવી છે. ઊશ્કેરાયેલાં આ શખ્સે આટલેથી ન અટકતાં ઘાયલ સાસુનાં મોં ઊપર ફેંટો મારી દીધી હતી. સમગ્ર ઘટનાની તપાસ ગોમતીપુર પોલીસ ચલાવી રહી છે.


આ અંગેની વિગત એવી છે કે, ગોમતીપુર રાયપુર મીલ પાસે સત્યમ એપાર્ટમેન્ટ ખાતે રહેતી સોનાલીએ અગાઉ વિક્રમ મીલની ચાલી ખાતે રહેતાં જયેશ હરજી ચોંદસીયા નામનાં યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જા કે ત્રણ જ મહિનામાં બંને વચ્ચે અણબનાવો વધી જતાં સોનાલી જયેશથી છુટી પડી હતી. આ દરમિયાન સોનાલીને ગર્ભ રહી જતાં તેણે એક પુત્રીને પણ જન્મ આપ્યો હતો.

ત્યારબાદ ઘણાં સમય પછી ઓક્ટોબર મહિનામાં સોનાલીએ નરોડા ખાતે રહેતાં અન્ય યુવાન સાથે લગ્ન કરી લેતાં જયેશ રોષે ભરાયો હતો. અને અવારનવાર તેનાં સાસુ રેણુકાબેનને જાઈ ગાળો બોલતો હતો.

રવિવારે સવારે સાડા આઠ વાગ્યાનાં સુમારે રેણુકાબેન ઘરની બાજુમાં મંદિરે ગયા હતા. જ્યાંથી પરત ફરતાં જયેશ તેમને ગાળો બોલવા લાગ્યો હતો. રેણુકાબેને ગાળો બોલવાની ના પાડતાં ઊશ્કેરાયેલાં જયેશે તેની પાસેનું ચપ્પુ કાઢ્યું હતું.

જેથી જાત બચાવવા રેણુકાબેન દોડ્યા હતા તેમ છતાં જયેશે તેમનાં પેટમાં ચપ્પુ મારી દીધું હતું. ઘાયલ થયેલાં રેણુકાબેન નીચે પડી જતાં તેમને માર માર્યાે હતો. દરમિયાન રેણુકાબેનનાં પતિ ઘર બહાર આવતાં જયેશે તેમની સાથે પણ ઝઘડો કરી મુઢમાર મારી ભાગી ગયો હતો. ૧૦૮માં રેણુકાબેનને શારદાબેન હોસ્પિટલ  લઈ જવાયા હતાં. જ્યાં તેમણે જયેશ વિરૂદ્ધ ગોમતીપુર પોલીસને ફરીયાદ કરી હતી. પોલીસે જયેશની શોધખોળ આદરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.