સાપુતારાના નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા એમ્બ્યુલન્સનું લોકાર્પણ
( ડાંગ માહિતી ) ઃ આહવાઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રાજ્ય મંત્રી શ્રીમતી ડો. ભારતી પવાર, તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષતામાં સાપુતારાના નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા નવીન એમ્બયુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
લોકાર્પણ પ્રંસગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતિ ડો. ભારતી પવારે જણાવ્યું હતું કે, આધુનિક સુવિધાઓથી સજ્જ, ગામમાં જ આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થાય, તેમજ ગામના લોકોને દૂર સુધી જવુ નાં પડે તે હેતુસર તમામ સુવિધાઓથી સજ્જ બિલ્ડીંગ નિર્માણ પામી છે. ત્યારે આ બિલ્ડીંગની જાળવણી કરવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે. અહીં તમામ સુવિધાઓનાં સૂચક બોર્ડ લગાવવા પણ મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું.
સારું કામ કરવા સારી હેલ્થ જરૂરી છે ત્યારે દેશના દરેક ખૂણાઓમાં દેશના વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીએ આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની નેમ લીધી છે. દરેક રાજ્યમાં એમ્સ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. હાલ દેશમાં ૨૨ એમ્સ હોસ્પિટલ તૈયાર થઈ રહ્યા છે. સમગ્ર દેશમાં આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ રૂ.૫ લાખ સુધીની સારવાર વિના મુલ્યે થાય છે. તેમજ અત્યાધુનિક લેબ રિપોર્ટ વગેરે સરકારી હોસ્પિટલોમાં થાય છે. દેશના લોકોને મોદીની ગેરંટી ઉપર વિશ્વાસ છે તેમ કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
કોરોના કાળમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશની સેવામા કાર્યરત આશા બહેનો માટે સરકાર દ્વારા રૂપિયા ૫ લાખનો વીમો જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આરોગ્ય સુવિધાઓમાં વધારો થાય, તે માટે આરોગ્યનાં બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ મેડિકલ કોલેજની સીટોમાં પણ ૧ લાખ જેટલી સીટોનો વધારો કરવામાં આવ્યો છે. જે બદલ કેબિનેટ કક્ષાના કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માડવીયાનો મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.