ફિચે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન વધારીને ૭ ટકા કર્યું
(એજન્સી)નવી દિલ્હી, ૧ એપ્રિલ, ૨૦૨૪થી શરૂ થતા નવા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રેટિંગ એજન્સી ફિચે ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો છે. આ ઉપરાંત આ એજન્સીએ આર્થિક વૃદ્ધિનું અનુમાન ૬.૫ ટકાથી વધારીને ૭ ટકા કર્યું છે. રેટિંગ એજન્સીએ સ્થાનિક માંગને ધ્યાનમાં રાખતા આગામી નાણાકીય વર્ષ માટે ભારતના વૃદ્ધિ દરના અનુમાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
ફિચને ભારતીય અર્થતંત્રના વિકાસ બાબતે વિશ્વાસ છે, આથી ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષ માટે ડિસેમ્બર ૨૦૨૩માં જાહેર કરાયેલ અનુમાન ૫૦ બેસિસ પોઈન્ટ્સ વધારીને ૭ ટકા કરવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે સ્ટેટિસ્ટિક્સ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ભારતના જીડીપીના ડેટા અનુસાર,
આ સમયગાળા દરમિયાન ભારતે ૮.૪ ટકાના દરે વિકાસ કર્યો છે. જેથી આગામી નાણાકીય વર્ષ માટે રેટિંગ એજન્સીઓ અને નાણાકીય સંસ્થાઓ ભારતના વિકાસ દરના અંદાજમાં વધારો કરી રહી છે. ફિચનો અંદાજ છે કે ૨૦૨૩-૨૪માં ભારતનો જીડીપીવૃદ્ધિ દર ૭.૮ ટકા રહી શકે છે, જે સરકારના પોતાના અંદાજ ૭.૬ ટકા કરતાં વધુ છે.
તાજેતરના ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં ફિચે જણાવ્યું છે કે રોકાણ વૃદ્ધિ દરમાં વાર્ષિક ધોરણે ૧૦.૬ ટકા અને ખાનગી વપરાશમાં ૩.૫ ટકા વૃદ્ધિને કારણે દેશના આર્થિક વિકાસના આંકડાએ દરેક ક્વાર્ટરમાં તમામ અંદાજોને પાછળ છોડી દીધા છે.