15 વર્ષનો સગીર સેક્સટોર્શનનો શિકાર બન્યોઃ ફાંસો ખાઈ આપઘાત કર્યો
સગીરના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો આરોપીના મોબાઇલમાં ૫૦થી વધુ સીમકાર્ડનો ઉપયોગ કરાયો
(એજન્સી)અમદાવાદ, સરસપુરમાં માત્ર ૧૫ વર્ષનો સગીર સેક્સટોર્શનનો શિકાર બનતા તેણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે આરોપીને પકડી તપાસ કરતા આરોપીઓના મોબાઈલમાંથી ૫૦થી વધુ સીમકાર્ડનો ઉપયોગ કર્યો હોવાનું અને આરોપીઓ દ્વારા ભોગ બનનાર પાસેથી નાણાં જમા કરાવડાવી પોતાની બેંકના ખાતામાં જમા લઈને વીડિયો બતાવીને રકમ જમા કરાવ્યાની હકીકતો બહાર આવી છે.
બીજી તરફ આરોપીઓએ કરેલી જામીન અરજી એડીશનલ સેશન્સ જજ જે.એમ.બ્રહ્મભટ્ટે ફગાવી દીધી છે. કોર્ટએ નોંધ્યુ હતુ કે, આરોપીઓ સામે ગંભીર ગુનાના આક્ષેપો છે. આરોપીઓના ત્રાસના કારણે ભોગ બનનાર પાસે આત્મહત્યા કર્યા સિવાય કોઈ બીજો રસ્તો ન હોવાનું સ્પષ્ટ તપાસના કામે જણાય છે. ત્યારે ગુનાની ગંભીરતાને નજર સમક્ષ રાખી હાલની જામીન અરજી નામંજૂર કરવી ન્યાયહિતમાં જરૂરી છે.
સરસપુરમાં રહેતી ૧૫ વર્ષીય સગીરે ૨૭ ડિસેમ્બરે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે કિશોરના પરિવારએ શહેરકોટડા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે તપાસ કરી મનોજ પર્વતસિંગ લોઘી અને મનોજ ઉર્ફે દલ્લુ દિલીંપસિંગ લોઘીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. દરમિયાનમાં બંને આરોપીઓએ જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, અમે નિર્દોષ છીએ, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ.
જો કે, અરજીનો વિરોધ કરતા સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓએ ૧૫ વર્ષનો સગીરે સેક્સટોર્શનનો શિકાર બનતા તેણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સગીરની અંતિમ વિધિ કરવા માટે પિતાએ ઘરમાંથી બચતના એક લાખ કાઢયા ત્યારે તેમાં ૨૩ હજાર ઓછા હતા. ત્યારબાદ તેના પિતાએ સગીર પુત્રનો મોબાઇલ ચેક કર્યો, પરંતુ અંદર સિમકાર્ડ કે કોઈ પણ પ્રકારનો ડેટા હતો નહીં.
પિતાને શંકા જતા મોબાઇલ ચાલુ કર્યો ત્યારે પૈસાની ઉઘરાણી બાબતે અજાણ્યા શખ્સનો મેસેજ અને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ‘બેટા તેરા એરેસ્ટ કા ઓર્ડર આ ગયા હૈ, પૈસા ભેજ દે નહિ ભેજા તો તેરે ઔર તેરે બાપ કો દો સાલ કી જેલ ઔર પાંચ લાખ જુરમાના કરાઉંગા’ તેવી ધમકી આપી હતી. બાદમાં થોડા સમય પછી ફરી આ શખ્સે ફોન કરીને ‘છોકરીના પિતાને પહેલા તે રૂ. ૨૩ હજાર મોકલ્યા હતા, તે ફરીથી મોકલ નહિ તો વીડિયો વાઇરલ કરી દઇશ’ તેવી ધમકી આપીને રૂપિયાની માંગણી કરી હતી. આરોપીઓ સામે પુરાવા મળી આવ્યા છે.
આરોપીઓના મોબાઈલમાંથી ૫૦થી વધુ સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓ દ્વારા ભોગ બનનાર પાસેથી નાણાં જમા કરાવડાવી પોતાની બેંકના ખાતામાં જમા લઈને વીડિયો બતાવીને રકમ જમા કરાવ્યાની હકીકતો બહાર આવી છે. ત્યારે ગુનાની ગંભીરતાને નજર સમક્ષ રાખી હાલની જામીન અરજી નામંજૂર કરવી જોઈએ.ત્યારબાદ કોર્ટે બન્ને આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.