યુવાનો હોળીકા દહન કરવા માટે છાણાની ચોરી કરે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/03/Holi-ka-Dahan.jpg)
રાજકોટ, હોળી ધુળેટી પર્વને લઈ દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. હિન્દુ ધર્મમાં હોળી ધુળેટી પર્વને લઈ અનેક માન્યતાઓ પણ રહેલી છે. જે દેશના અનેક ગામડાઓમાં લોકો પરંપરાગત રીતે ઉજવે છે. તેવી જ રીતે રાજકોટના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં આજે પણ એક પરંપરા લોકોએ જાડવી રાખી છે.
ત્યારે આપણે આજે આ વિશેષ પરંપરા વિશે અહીં જાણીશું. કે કેવી રીતે લોકો છાણાની ચોરી કરે છે અને જો પકડાઈ જાય તો કેવી સજા મળે છે. રાજકોટ શહેરના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં યુવાનો હોળીકા દહન કરવા માટે છાણાની ચોરી કરે છે.
આ થાપેલા છાણાને ચોરતા જો કોઈ યુવક પકડાઈ જાય તો તેને તેના માલીક દ્વારા સજા પણ આપવામાં આવે છે. ભીચરી ગામના વૃદ્ધાએ જણાવ્યું કે, હોળીના તહેવારને લઈ છાણા ચોરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. છાણાની ચોરી બાળકો હોળીકા દહન માટે કરતા હોય છે.
આ એક પરંપરા છે. અમને પણ ખુબ ગમે બાળકો વાડામાં આવે અને પાથેલા છાણા ચોરે છે ત્યારે અમે તેમના પાછળ દોડીએ છીએ. પરંતુ જો કોઈ બાળક પકડાઈ જાય તો તેને સજારૂપે છાણા થાપવાની સજા, આખો દિવસ બેસાડી રાખવાની સજા, અને વાસીદા પણ કરાવવામાં આવે છે.
ભીચરી ગામના માજીએ વઘુમાં જણાવ્યું કે, પહેલા બાળકો અને યુવાનો મોટી સંખ્યામાં છાણાની ચોરી કરતા હતા,પરંતુ હવે ચોરી કરવા ઘણા ઓછા લોકો આવે છે. આજે પણ જો કોઈ છોકરો છાણા ચોરી કરતો પકડાઈ જાય તો અમે તેને સજા આપીએ છીએ.SS1MS