ગોધરા સિવિલમાં સીટીસ્કેનની સુવિધા ન હોવાથી કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/0104-godhra-2-1024x698.jpg)
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા સિવિલ હોસ્પિટલમા સિટી સ્કેન મશીનની સુવિધા ચાલુ કરવાની બાબતને લઈને સામાજિક કાર્યકર સંજય ટહેલ્યાણી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આપી રજૂઆત કરવામાં આવી હતી. ગોધરા સિવિલ હોસ્પિટલમાં હાલમાં સિટી સ્કેનની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ ગ્રાન્ટનો સદઉપયોગ થયા અને વહેલી તકે ગરીબ મધ્યમ વર્ગના લોકોને તેની સુવિધા પ્રાપ્ત થાય તે માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
ગોધરા શહેરમાં પંચમહાલ જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે. જ્યાં હાલ ત્રણેય જિલ્લાની અને આસપાસની ગ્રામ્ય વિસ્તારની ગરીબ પ્રજા સારવાર લેવા માટે આવે છે.
છેલ્લા પંદર વર્ષથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન ન હોવાથી ગરીબ પ્રજાને હાલાકી વેઠવી પડી રહી છે. નાછુટકે પ્રાઇવેટ લેબ રિપોર્ટ કરાવવો પડે છે. પ્રાઇવેટ લેબમાં પાંચ હજાર જેટલો ચાર્જ વસુલવામાં આવે છે. જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પરવડે તેમ નથી. જેને લઈને આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે હાલમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સીટી સ્કેનના મશીન માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ ગ્રાન્ટનો સદુપયોગ થાય અને વહેલી તકે સીટી સ્કેન મશીન લાવવામાં આવે જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ સીટી સ્કેન મશીનનો લાભ મળી રહે તે માટે આજરોજ સામાજિક કાર્યકર દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.