Western Times News

Gujarati News

MDH અને એવરેસ્ટના મસાલામાં કેન્સર કારક તત્વો મળી આવતાં ચકચાર

દેશના તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી મસાલાના નમૂના એકત્રિત કરવા આદેશ

(એજન્સી)નવી દિલ્હી, ભારતીય બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટના મસાલામાં કેન્સર કારક તત્વો મળી આવતાં સિગાપોર અને હોંગકોંગે વાપરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ રિપોર્ટથી હરકતમાં આવેલી કેન્દ્ર સરકારે પણ એક મોટો નિર્ણય લેતાં તમામ ફૂડ કમિશનરોને દેશના તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટ્‌સમાંથી મસાલાના નમૂના એકત્રિત કરવાનો આદેશ આપ્યો છે.

ત્રણથી ચાર દિવસમાં દેશના તમામ મસાલા ઉત્પાદક એકમોમાંથી નમૂના લેવામાં આવશે, એમ ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું છે. માત્ર એમડીએચ અને એવરેસ્ટ જ નહીં, તમામ મસાલા બનાવતી કંપનીઓના સેમ્પલ લેવામાં આવશે. રિપોર્ટ લગભગ ૨૦ દિવસમાં લેબમાંથી આવશે.

એમડીએચ સહિત એવરેસ્ટ મસાલમાં હાનીકારક તત્વો મળી આવ્યાં છે. એમડીએચ પ્રાઈવેટ લિમિટેડ અને એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્‌સ લિમિટેડના ઘણા મસાલામાં કાર્સનીજેનિક પેસ્ટીસાઈડ ઈથલોન ઓક્સાઈડ મળી આવ્યો છે.

સિંગાપોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૫ એપ્રિલે ચકાસણી કરી હતી જેમાં સાંબર મસાલા પાવડર, મદ્રાસ કરી પાવડર અને કરી પાવડરમાં એમ ત્રણ બ્રાન્ડમાં કેન્સર કારક તત્વો મળી આવ્યાં હતા. સરકારે વેન્ડર્સને પણ મસાલાનું વેચાણ ન કરવાની સલાહ આપી છે અને માર્કેટમાંથી તેને પાછા ખેંચવાનો ઓર્ડર આપ્યો છે.

એવરેસ્ટ ગ્રુપ ફિશ કરી મસાલામાં પેસ્ટીસાઈડ મળ્યું છે. કેન્સર પરની ઈન્ટરનેશનલ એજન્સી દ્વારા ગ્રુપ ૧ના લેબલિંગ પ્રમાણે એથલિન ઓક્સાઈડથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધે છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૩ની સાલમાં પણ અમેરિકામાં એમડીએચ મસાલામાં સાલમોનેલ્લાની ભેળસેળ સામે આવતાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા તેને પાછી ખેંચી લેવાનો ઓર્ડર અપાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.