ડોક્ટર પતિની પ્રેમિકાને માર મારવાના ગુનામાં પત્નીને રાહત આપવા હાઈકોર્ટનો ઇનકાર
અમદાવાદ, ડોક્ટર પતિ-પત્ની અને ‘વો’નો રસપ્રદ કિસ્સો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. જેમાં પતિની પ્રેમિકાને માર મારવા અને હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડથી બચવા ડોક્ટર પત્નીએ કરેલી આગોતરા જામીનઅરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.
હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે,‘ફરિયાદી મહિલાને છ ળેક્ચર્સ થયા હોવાનું રેકર્ડ પર આવ્યું છે અને તેના પર બે વધુ સર્જરી પણ કરવી પડી હતી. જે દર્શાવે છે કે ફરિયાદી મહિલાને કેટલી ગંભીર ઇજા થઇ છે. તેથી આ મામલે અરજદાર મહિલા(પત્ની) ઉપરના આક્ષેપોની ગંભીરતા અને ગુનામાં તેની સંડોવણી જોતાં જો તે દોષિત ઠરે તો મહત્તમ સજાની જોગવાઇ છે.
પ્રસ્તુત કેસમાં અરજદાર મહિલાનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી જણાય છે અને તેથી તેને આગોતરા જામીન આપી શકાય નહીં.’ ઉક્ત આદેશ અને અવલોકન સાથે હાઇકોર્ટે પત્નીની અરજી ફગાવી કાઢી હતી. પ્રસ્તુત મામલે નોંધાયેલી એફઆઈઆર મુજબ ફરિયાદીનો કેસ એવો છે કે વર્ષ ૨૦૧૩થી ૨૦૨૦ની વચ્ચે પીડિતા ફરિયાદી એસ.જી. હાઇવે ઉપર આવેલી શેલ્બી હોસ્પિટલમાં કામ કરતી હતી.
આ સમયગાળામાં જ તે એક વ્યક્તિના સંપર્કમાં આવી હતી. જે હોસ્પિટલમાં એનેસ્થેટિક તરીકે કામ કરતા હતા. આ એનેસ્થેટિક ડોક્ટર હાલના કેસના અરજદાર મહિલાના પતિ છે અને તે બંને વચ્ચે કોર્ટ કેસો પેન્ડિંગ છે. દરમિયાનમાં જાન્યુઆરી-૨૦૨૪માં ડોક્ટર અને ફરિયાદી મહિલા(પ્રેમિકા) બંને સાયન્સ સિટી ખાતે આવેલી ખાનગી હોટલમાં મળવા પહોંચ્યા હતા.
આશરે સાડા ચાર વાગ્યાના સુમારે ફરિયાદીને એક ફોન આવ્યો હતો કે રિસેપ્શન પર કેટલીક વ્યક્તિઓ આવી છે અને એ ડોક્ટરનું નામ લઇને એની પૂછપરછ કરી રહ્યા છે. તેથી તે બંને હોટેલના ધાબે પહોંચી ગયા હતા. જોકે ડોક્ટરના પત્ની અને અન્ય આરોપી ત્યાં આવી ગયા હતા અને તેમની વચ્ચે ઝપાઝપી શરૂ થઇ હતી.
ફરિયાદીને માથા સહિતના શરીરના ભાગે લાકડીઓથી માર મારવામાં આવતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. ત્યારબાદ ફરિયાદી પીડિતા ધાબેથી નીચે પટકાઇ જતાં બેભાન થઇ ગઇ હતી. તેને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ લઇ જવાઇ હતી. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે વધુ સારવાર માટે લઇ ગયા હતા.
પીડિતાને ળેક્ચર્સ થયા હતા અને બોપલ ખાતેની હોસ્પિટલમાં આ ગુનાની એફઆઈઆર તેણે લખાવી હતી. હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે,‘ફરિયાદીને ગંભીર ઇજા આવી હતી અને બે દિવસ સુધી બેભાન રહી હતી. ભાનમાં આવ્યા બાદ તેણે ફરિયાદ લખાવી હતી. જેમાં તેણે સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે અરજદાર મહિલા અને અન્ય બે આરોપીઓએ તેને ધક્કો માર્યો હતો અને તે ધાબેથી નીચે પડી ગઇ હતી.
આરોપીઓ તેની હત્યા કરવાના ઇરાદેથી આવ્યા હતા અને તેમાં તેઓ સફળ થયા નહોતા. ફરિયાદી મૃત્યુ પામી શકતી હતી પરંતુ સદભાગ્યે એ બચી ગઇ હતી. તેથી આવા ગંભીર મામલે અરજદારનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી જણાતા તેને જામીન આપી શકાય નહીં.’SS1MS