આજના યુવાનો પરીક્ષા સિવાય કશું જ વિચારે તો મા-બાપ તેમનો વારો કાઢી નાંખે છે
આજથી ૯૩ વર્ષ પહેલાં જ્યારે ફાંસી અપાઈ ત્યારે ભગતસિંહની ઉંમર માત્ર ૨૪ વર્ષની હતી.-ખુદને પૂછવા જેવો સવાલઃ આપણે દેશને શું આપ્યું ?
અત્યાચારીને કચડી નાખવાનું હજુ આસાન હોઈ શકે પરંતુ તેના અંતરાત્માને ઢંઢોળવાનું કામ બેશક મુશ્કેલ હોય છે. તું સાઈલેન્ટ હો જા વર્ના મે વાઈલેન્ડ હો જાઉંગા. એ ઘીસીપીટી સોચ એન્ટરટેઈનિંગ જરૂર લાગે, પરંતુ એમાં બહુ જવાંમર્દી નથી. આઈરની એ છે કે વિલનની બત્તી ગુલ કરી દેતો સલમાન લોકોને બહુ ગમે છે, જ્યારે લેંઘો ઝભ્ભો પહેરીને હાથ જોડતો સીધોસાદો નાયક તુરંત ભુલાઈ જાય છે.
ગાંધીજીએ જીવનપર્યત એક પણ વ્યક્તિને લાફો સુદ્ધાં ન માર્યાે અને છતાં દેશભરમાં અંગ્રેજો સામે જ્વાળામુખી સર્જી દીધો, જ્યારે ૧૯૫૭ના વિપ્લવથી લઈને હિંસક પ્રદર્શનોની હારમાળા જુઓ.. અંગ્રેજોએ બહુ કડકાઈથી આવા દેખાવકારોને પતાવી દીધા. કહેવાનું તાત્પર્ય એ છે કે લોહી ગરમ હોવું જરૂરી છે, પરંતુ એ સાબિત કરવા લોહી વહાવવું જરૂર નથી.
અહીં વાત શહીદ ભગતસિંહની છે અને એ પહેલાં જ જો અહિંસાની ફિલોસોફી શા માટે રજૂ થાય તે પ્રશ્ન ઉદ્ભવે એના માટે જ આ પ્રયત્ન અહીં કરવામાં આવ્યો છે.
ભગતસિંહ અને તેના સાથીદારો સુખદેવ અને રાજ્યગુરુને ૨૪ માર્ચ, ૧૯૩૧ની સવારે ફાંસી આપવાની હતી, પરંતુ હિન્દુસ્તાનના આ નરબંકાઓને નિર્ધારિત સમયથી ૧૨ કલાક પૂર્વે ફાંસી અપાઈ હતી. આજથી ૯૩ વર્ષ પહેલાં જ્યારે ફાંસી અપાઈ ત્યારે ભગતસિંહની ઉંમર માત્ર ૨૪ વર્ષની હતી.
ભગતસિંહને શા માટે ૨૪ વર્ષે ફાંસીએ ચડવું પડ્યું ? નૌજવાન ભારત સભાના આ નરવીરે માથે કફન બાંધ્યું એ પહેલાંની તેની તેજસ્વિતા વિષે બહુ ઓછા જાણે છે. ૧૭ વર્ષની ઉંમરે તે લાહોરમાં એક હોનહાર વિદ્યાર્થી હતા. પાંચ ભાષા ઉપર તેમનો કમાન્ડ હતો. નિબંધ સ્પર્ધામાં તે લાહોરની નેશનલ કોલેજમાં પ્રથમ ક્રમે આવ્યા હતા. ટીનએજ ભગતસિંહે કીર્તિ અને વીર અર્જુન જેવી પત્રિકાઓમાં જોરદાર લેખો લખ્યા હતા.
તેમની ઉંમરના આજના તરુણો બોર્ડની પરીક્ષા સિવાય કશું જ વિચારે તો મા-બાપ તેમનો વારો કાઢી નાંખે છે, સમય બચે તો સિરિયલો, ફિલ્મો અને વીડિયો ગેઈમ સિવાય તરુણ વયના વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ વિષે સર્વે કરવા જેવો છે.
કારર્કિદીનો પાયો નખાતો હોય ત્યારે જ માનસ ઘડતર પણ થતું હોય છે. અંગ્રેજોના શાસનમાં ઘરે-ઘરે સંતાનાને દેશદાઝની અનુભૂતિ કરાવાતી હતી. સામે શત્રુઓ હતા. એટલે રાષ્ટ્રપ્રેમ ધગધગતો હતો. પરંતુ આઝાદી મળી એટલે આપણે સાવ બેફિકર બની ગયા. શાસન અંગ્રેજોનું હોવા છતાં બ્રિટીશ અફસરોના સામે તીવ પડઘા પડતા. લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જ થયો અને બાદમાં તેમનું અવસાન થતા ભગતસિંહે પોલીસ અધિકારી સેન્ડર્સ ઉપર હુમલો કર્યાે.
૧૭મી ડિસેમ્બર ૧૯૨૮માં સેન્ડર્સને ઠાર કરી ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુએ ૮મી એપ્રિલ, ૧૯૨૯ના ધારાસભામાં બોમ્બ ફેંક્યો.. અવાજ ઉઠાવવા માટે જાનની બાજી લગાવવાનો એ સમય હતો. આજે બોમ્બ ફોડવાની કે કત્લેઆમની જરૂર નથી કારણ કે સિંહાસન ઉપર આપણા જ લોકો છે. સવાલ અંતરાત્માને જગાડવાનો છે.
After killing Sanders on 17th December 1928, Bhagat Singh, Sukhdev and Rajyaguru threw a bomb in the Legislative Assembly on 8th April 1929. It was time to risk their lives to raise their voice. Today there is no need for bombings or massacres because our people are on the throne. The question is to awaken the conscience.
આજના યુગમાં બહાદુરીનો અર્થ ફાંસીએ ચડવાનો નથી પરંતુ પોતાના જ દેશ બાંધવોની પીડા દૂર કરવાનો છે. ભગતસિંહ અને તેના ત્રણ મિત્રોને આજના દિવસે ફાંસીને માંચડે ચડાવી દેવાયા હતા. બહુધા લોકોને એવું લાગે કે ભગતસિંહ હિંસક ક્રાંતિના હિમાયતી હતા તો એ બિલકુલ અજ્ઞાનતા છે, તેમણે ધાર્યુ હોત તો એ જાનહાનિ સર્જીને ભાગી શક્યા હોત, પરંતુ તેમનું કામ જાન લેવાનું ન હતું. તેમનું મિશન હતું જાનના જોખમે અંગ્રેજોના અંતરાત્માને જગાડવાનું…
દેશમાં ઘણા યુવાનો આજે પણ સારી ડિગ્રી મેળવી વિદેશમાં વસવાના સપના જુએ છે. પશ્ચિમી દેશોના વિઝા માટે લાંબુ વેઈટિંગ લિસ્ટ રહે છે. એક વર્ષ એવો છે જે સદાયે દેશની ટીકા જ કરતો રહે છે. રસ્તાથી લઈ સ્વચ્છતાના મુદ્દે તે ટીકાટિપ્પણો કરતા રહે છે. આપણી સાથે જ નવા દેશ તરીકે શરૂઆત કરનાર ઈઝરાયેલનું ઉદાહરણ સમજવા જેવું છે.
ઈઝરાયેલ બન્યું એ પહેલાં યહૂદીઓ પૂરા વિશ્વમાં અનેક દેશોમાં વસતા હતા. જેમાં અમેરિકા-યુરોપમાં ઉચ્ચ હોદ્દા ધરાવનારા અનેક લોકો પણ હતા. ઈઝરાયેલનું સર્જન થયું ત્યારે એ ઓછા વરસાદવાળો બંજર પ્રદેશ હતો, સંશાધનોનો અભાવ અને ચારે તરફ શત્રુદેશો.
ધૂંધળુ ભવિષ્ય અને મુશ્કેલ પંથ છતાં વિશ્વભરમાંથી યહૂદીઓ પોતાની માતૃભૂમિમાં આવી ગયેલા આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા યહૂદી વૈજ્ઞાનિકોએ પોતાના તન, મન અને ધનથી ઈઝરાયેલને શ્રેષ્ઠ બનાવ્યું. આજનું ઈઝરાયેલ હજારો લોકોના રાષ્ટ્રપ્રેમનું બહેતરિન ઉદાહરણ છે.
દેશની હિન્દુસ્તાનની આપણે વારંવાર ટીકા કરીએ છીએ, દેશે આપણને શું આપ્યું તેવા બળાપા કાઢીએ છીએ, પરંતુ કદી એવો સવાલ ખુદને પૂછ્યો છે ખરો કે, આપણે દેશને શું આપ્યું છે ?