ઝાડા ઉલ્ટીના કેસો અંતર્ગત જિલ્લા કક્ષાની ટીમ દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું
(પ્રતિનિધિ) નડિયાદ, આર.સી ટેસ્ટ, ક્લોરિન ટેબ્લેટ વિતરણ, ઓ.આર.એસ પેકેટ વિતરણની કામગીરી સહિત અસરગ્રસ્ત દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા.
તાજેતરમાં સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે ઇન્દિરા નગર-૨માંથી ઝાડા-ઉલ્ટીના કેસો દાખલ થવા અંગેની જાણ થતા જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, ચીફ ઓફિસરશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી,નડીયાદ તેમજ મેડીકલ ઓફિસરશ્રી, અર્બન હેલ્થ સેન્ટર-૨ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.
અર્બન હેલ્થ સેન્ટર-૨ની આરોગ્ય ટીમ દ્વારા સઘન સર્વેલન્સથી અન્ય કેસોની શોધખોળ તેમજ રોગચાળા અટકાયત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેલન્સ અંતર્ગત ઝાડાના કુલ ૨૮ અને ઝાડા-ઉલ્ટીના કુલ ૪ કેસ મળીને કુલ ૩૨ કેસ મળી આવ્યા હતા. જે પૈકી કુલ ૯ પુરુષો અને કુલ ૨૩ સ્ત્રી દર્દીઓ નોંધાયા હતા. નોંધાયેલ દર્દીઓ પૈકી કુલ ૧૭ દર્દી હાલ સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે તથા ૦૧ દર્દી મહાગુજરાત હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
વધુમાં જિલ્લા કક્ષાની સર્વેલન્સ ટીમ દ્વારા કુલ ૬૭ આર.સી. ટેસ્ટ કરવામાં આવ્યા છે તથા કોન્ટેકટમાં આવેલ ૧૪ વ્યક્તિઓની સારવાર કરવામાં આવી છે. ઉપરાંત ૧૭૫ ઘરોમાં ક્લોરિન ટેબલેટ વિતરણ કરવામાં આવ્યું હતું તથા ૧૭૪ ઓ.આર.એસ. પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.