ભારતની પ્રગતિમાં કિંગમેકર બનશે ઉત્તરપ્રદેશઃ વર્લ્ડ બેંકની જાહેરાત
વર્લ્ડ બેંક શહેરની ખેતીને આધુનિક બનાવવા, પાકનું ઉત્પાદન વધારવા એક પ્રોજેક્ટ બનાવી રહી છે
લખનૌ, માત્ર ભારતીયો જ નહીં પરંતુ હવે વિશ્વ બેંકને પણ ભારતની પ્રગતિમાં વિશ્વાસ છે. વિશ્વ બેંકના ઉપાધ્યક્ષ (દક્ષિણ એશિયા ક્ષેત્ર) માર્ટિન રેઝરે કહ્યું છે કે ઉત્તર પ્રદેશ ભારતના ‘મિશન ૨૦૪૭’ને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
‘મિશન ૨૦૪૭’ હેઠળ દેશને આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. રેઝરએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મુખ્ય સચિવ મનોજ સિંહ સાથે ચર્ચા કરી કે કેવી રીતે વિશ્વ બેંક ઉત્તર પ્રદેશને યુએસ ડોલર ૧,૦૦૦ બિલિયનનું અર્થતંત્ર બનાવવામાં મદદ કરી શકે.
તેમણે કહ્યું કે અમે ભારત માટે નવી (ઉધાર) વ્યૂહરચના ચક્ર શરૂ કરી રહ્યા છીએ અને આ વ્યૂહરચના ચક્ર સામાન્ય રીતે ચાર-પાંચ વર્ષ માટે હોય છે. તેમણે કહ્યું કે, છેલ્લા બે દિવસમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સાથે ચર્ચા કરાયેલા મુદ્દાઓના આધારે વિશ્વ બેંક આગામી બે-ત્રણ વર્ષમાં એક અબજ ડોલર અથવા તેનાથી વધુની લોન અથવા નાણાકીય સહાય સુધી પહોંચી શકે છે.
તેમણે કહ્યું કે, ભારતના મિશન ૨૦૪૭માં ઉત્તર પ્રદેશ કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. ઉત્તર પ્રદેશના ૧૦૦૦ અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનવાના પ્રશ્ન પર રેઝરે કહ્યું કે મને લાગે છે કે તે સંપૂર્ણપણે વ્યવહારુ છે. પરંતુ તેને આગળ લઈ જવા માટે સુધારાની જરૂર છે. આ માત્ર ઉત્તર પ્રદેશને જ નહીં પરંતુ સમગ્ર ભારતને લાગુ પડે છે.
તેમણે વધુમાં કહ્યું કે, વિશ્વ બેંક ઉત્તર પ્રદેશમાં તેની ખેતીને આધુનિક બનાવવા, પાકનું ઉત્પાદન વધારવા અને પાણીના વધુ કાર્યક્ષમ ઉપયોગની સાથે ખાતરોના વધુ પડતા ઉપયોગને ઘટાડવા માટે એક પ્રોજેક્ટ બનાવી રહી છે. આનાથી ખેડૂતોને પરંપરાગત રોકડિયા પાકોમાંથી વધુ મૂલ્યવર્ધિત ઉત્પાદનો તરફ વળવામાં મદદ મળશે.