સિયાચિન પહોંચ્યા સેના પ્રમુખ જનરલ મુકુંદ નરવણે
સિયાચિન, સેના પ્રમુખ જનરલ મુકુંદ નરવણે ગુરૂવારે સિયાચિન પહોંચ્યા હતા. સેના પ્રમુખનું પદ સંભાળ્યા બાદ જનરલ નરવણે પ્રથમ વખત અહીં પહોંચ્યા હતા. મુકુંદ નરવણેએ જવાનો સાથે નાશ્તા પર ચર્ચા કરી હતી. સેના પ્રમુખ જનરલ મુકુંદ નરવણેએ સિયાચિન યુદ્ધ સ્મારક પર સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. તેમની સાથે ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રણબીરસિંહ ઉપસ્થિત રહ્યા હતા.
સેના પ્રમુખ જનરલ મુકુંદ નરવણેએ કહ્યું, અમે જાણીએ છીએ કે અહીં તૈનાત દરેક જવાન ખૂબ જ વિષમ પરિસ્થિતિઓમાં કામ કરે છે. અમે એ નિશ્વિત કરવાના પૂરતા પ્રયત્નો કરીશું કે જવાનો માટે જે કંઇ પણ જરૂરી છે તે તેમને ઉપલબ્ધ કરાવવામાં આવે. તેમને વધુ સારા કપડાં અને રાશન બધુ આપવામાં આવે. પૂર્વ સેના પ્રમુખ બિપિન રાવતના રાજીનામા બાદ નરવણેએ 31 ડિસેમ્બરના 28માં સેના પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. જનરલ બિપિન રાવતને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા છે.