હવે બેંકો વીડિયો કોલ કરી ગ્રાહકોના KYC કરી શકશેઃ RBI
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બેંકોને કેવાયસીની પ્રક્રિયા કરવા માટે સમયાંતરે ગ્રાહકોને બેંકોમાં બોલાવી પાન કાર્ડ, આધાર અને બીજા પુરાવાઓની ચકાસણી કરતી હોય છે. જેને કારણે ગ્રાહકોને બેંકોના ધક્કા દર બે વર્ષે ખાવા પડે છે. કેટલાંક કિસ્સાઓમાં ગ્રાહકો બીજા રાજ્યોમાં રહેતા હોય છે અથવા બેંકો રહેણાંકથી દુર હોય તેવા કિસ્સાઓમાં મુશ્કેલીઓ ઉભી થતી હતી. આ ઉપરાંત સિનીયર સીટીઝનોને પણ કેવાયસી કરાવવા બ્રાંચ પર જવું પડતું હતું. જો કેવાયસીની પ્રક્રિયા નિયત સમયમાં ગ્રાહક પૂર્ણ ન કરે તો એકાઉન્ટ બ્લોક થઈ જતું હોય છે.
હવે બેંકો વીડિયો દ્વારા તેમના ગ્રાહકોના કેવાયસી KYC (નો યોર કસ્ટમર Know your customer) કરી શકશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ માસ્ટર કેવાયસી માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. એટલે કે, કેવાયસી પ્રક્રિયા હવે મોબાઈલ વીડિયો વાતચીત કરીને પણ થઈ શકશે. કેન્દ્રીય બેંક દ્વારા રેગ્યુલેટ બેંકો, નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી), વોલેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને અન્ય ફાઇનાન્સિયલ સર્વિસ કંપનીઓ માટે આ મોટી રાહત છે. દૂરના વિસ્તારોમાં રહેતા ગ્રાહકોને હવે કેવાયસીમાં સરળતા રહેશે અને ખર્ચ પણ ઘટશે. આ સિવાય કેન્દ્રીય બેંકે આધાર અને અન્ય ઈ-દસ્તાવેજો દ્વારા ઈ-કેવાયસી અને ડિજિટલ કેવાયસીની સુવિધા આપી છે.