CAA મુદ્દે મળેલી બેઠકમાં બાળકોના મોત મામલે કોંગ્રેસનો હોબાળો

Files Photo
અમદાવાદ: ગુજરાત વિધાનસભાના આજે એક દિવસના ટૂકા સત્રમાં પ્રારંભમાં રાજ્યપાલે ગૃહમાં સંબોધન કરતા જ વિરોધ પક્ષના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. બાળકોના મોત મામલે વિપક્ષ કોંગ્રેસનો હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. જેથી પ્રવચન ટુંકાવી રાજ્યપાલ ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. ભારે હોબાળા વચ્ચે વિધાનસભાની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી. તો, કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પોતાના લોહીથી લખેલા પોસ્ટરથી વિધાનસભામાં સીએએ કાયદા, એનપીઆર, એનઆરસીનો અનોખી રીતે વિરોધ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી.
ઇમરાન ખેડાવાલાના લોહીવાળા પોસ્ટરને લઇ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગંભીર ટકોર કરી હતી કે, તમે ગુજરાત વિધાનસભામાં ઉભા છો, પાકિસ્તાનમાં નહી. ત્યારબાદ વિપક્ષ અને શાસક પક્ષ એમ બંને પક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા અને ગૃહમાં જારદાર હોબાળો મચી ગયો હતો. કોંગી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પોતાના લોહીથી લખેલા પોસ્ટર લઈને વિરોધ દર્શાવ્યો હતો. જે સૌકોઇનું ધ્યાન ખેંચતા હતા. જ્યારે લલિત કગથરાએ નવજાત બાળકોના મોત મામલે બાળ હત્યા, બાળ મૃત્યુ બંધ કરોનો સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના સુત્રોચ્ચાર વચ્ચે ભાજપના ધારાસભ્યોએ પણ જયશ્રી રામના નારા લગાવ્યા હતા.
આમ બંને પક્ષે સામસામે સૂત્રોચ્ચારના કારણે રાજ્યપાલે પ્રવચન ટૂકાવ્યુ હતું અને ૧૫ મિનિટ ગૃહ સ્થગિત થયું હતું. રાજ્યમાં બાળમૃત્યુ, મહિલા સુરક્ષા, રોજગારી સહિતના પ્રશ્ને વિપક્ષે સત્ર લંબાવવાની માંગ કરી હતી. જા કે, રાજ્યપાલે તેમની માંગણી પણ સ્વીકારી ન હોવાનો વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ લગાવ્યો હતો. ગુજરાત વિધાનસભા ગૃહનું એક દિવસીય સત્ર આજે ભારે હંગામેદાર અને હોબાળાવાળુ બની રહેતાં રાજકારણ ગરમાયું હતું.
બીજીબાજુ, ગુજરાત રાજ્યનું વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ તા.૨૪ ફેબ્રુઆરીએ રજૂ કરશે. ચાલુ વર્ષના પહેલા સત્રનો આજથી પ્રારંભ થઈ ગયો છે, પરંતુ ૨૩ દિવસ માટે સત્રની તમામ બેઠકો મુલતવી રખાઈ છે. ત્યારબાદ છેક બજેટ રજૂ કરવાના દિવસે ૨૪ ફેબ્રુઆરીના રોજ આ સત્રની બેઠકોનો દોર ૨૫ દિવસ સુધી ચાલુ રહેશે.