રાજકોટ સ્પા સંચાલકના મૃત્યુ બદલ PSIની ધરપકડ
રાજકોટ એસ.ટી. પોલીસ ચોકીમાં બનેલો બનાવ
રાજકોટ: રાજકોટ શહેરમાં બુધવાર બપોરે પોલીસ અધિકારીનાં હાથે જ સ્પા સંચાલકના થયેલ મૃત્યુ બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. મૃતક હિંમાશુ ગોહેલનાં પરીવારજનોએ એસ.આઈ.ચાવડા સામે મોતનો ગુનો દાખલ કરવાની માંગણી કરી છે તેમજ જ્યાં સુધી ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાની પણ ના પાડી છે. જ્યારે આ કિસ્સામાં પ્રાથમિક દૃષ્ટિએ દોષિત પીએસઆઈ પી.પી.ચાવડાની ઘરપકડ કરવામાં આવી છે.
રાજકોટ શહેર એ ડિવીઝન પોલીસમથકના પી.એસ.આઈ. પી.પી. ચાવડાના હાથે જ તેમની સર્વિસ રિવોલ્વરમાંથી એસ.ટી. પોલીસ ચોકીમાં જ ફાયરીંગ થતા મવડી વિસ્તારના અંકુર રોડ પર આવેલી વૃદાવન સોસાયટી-રમાં રહેતા સ્પા સંચાલક હિમાંશુ દિનેશભાઈ ગોહેલનું મોત નિપજ્યાની ઘટના ઘટતા પોલીસબેડામાં દોડધામ થઈ પડી છે. પ્રાથમિક તબક્કે મીસ ફાયર થતા ઘટના ઘટી હોવાનું ખુલ્યું છે. યુવક સ્પા ચલાવતો હતો ખરેખર બનાવ અકસ્માતનો કે અન્ય કાંઈ તે મુદ્દે પણ પોલીસે તપાસ આરંભી છે.
ઘટનાની પોલીસના વર્તુળોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ યાજ્ઞિકરોડ પર પ્રમુખ સ્વામી આર્કેડ બિલ્ડીંગમાં સ્પા ચલાવતો હિમાંશુ ગોહેલ આજે બપોર બાદ બિલ્ડીંગ નજીક જ ૩૦૦ મીટર જેવા અંતરે આવેલી એસ.ટી.બસ સ્ટેશનની અંદર જ આવેલી પોલીસ ચોકીએ પી.એસ.આઈ. ચાવડાને મળવા માટે ગયો હતો.
એ સમયે અચાનક જ પીએસેઆઈ ચાવડાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયર થતા ગોળી સામે રહેલા હિમાંશુના માથા પર ખુંપી ગઈ હતી અને હિંમાશું ત્યાં જ ઢળી પડયો હતો.
હોસ્પિટલે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટનાના પગલે ડી.સી.પી., એ.સી.પી. સહિતનો કાફલો દોડી ગયો હતો. પ્રાથમિક તબક્કે તો તપાસનીસ એ ડિવીઝન પોલીસ દ્વારા એવું રટણ કરાયું છે કે પી.એસ.આઈ. ચાવડા પાસે હિમાંશુ મેચની ટિકીટ સંદર્ભે આવ્યો હતો. એ સમયે પી.એસ.આઈ. પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા અને અકસ્માતે ગોળી વછુટતા ઘટના બની છે.
તપાસનીસ પોલીસ દ્વારા અત્યારે તો એવું કારણ દર્શાવાયું છે કે પી.એસ.આઈ. ચાવડાનો હાલ પ્રોબેશન પિરીયડ છે તેઓની એસ.ટી.ચોકીમાં ફરજ હતી. અને રિવોલ્વર સાફ કરતા અકસ્માત સર્જાયો છે. સવાલ એ ઉઠે કે શું ચાલુ ફરજે હથિયાર સાફ કરી શકાય ખરૂ ? જો સાફ કરતી વખતે બનાવ બન્યાનું દર્શાવાઈ રહ્યું છે તો પણ ગંભીર બેદરકારી તો કહેવાય જ.
પી.એસ.આઈ. અને મૃતક વચ્ચે કેટલા સમયથી પરિચય હતો કેવી રીતે પરિચય હતો એ મુદ્દો પણ ગહન કે તપાસ માંગનારો છે. પોલીસ આયોજીત સંગીત શાની ટિકીટ લેવા માટે હિમાંશુ આવ્યો હોવાની વાત ચાલી રહી છે તો શું પી.એસઆઈ અને હિમાંશુ વચ્ચે સબંધો હશે તો જ ટિકીટ આપવાની હશે ? જો કે આ મુદ્દે હાલ પોલીસે ચુપકીદી સેવી છે. બંને બે દિવસ પહેલા તા.૧૨ના રોજ પ્રમુખ સ્વામી બિલ્ડીંગ નીચે મળ્યા પણ હતા. જે પરથી બંનેને સબંધો સારા હોઈ શકેનું પણ એક અનુમાન છે.