Western Times News

Gujarati News

AMTS: સ્વ-માલિકીની માત્ર આઠ બસો સાથે ૮૦૦ બસો દોડાવશે

File photo

નવી સીએનજી બસો માટે મુખ્યમંત્રી યોજના અંતર્ગત વાર્ષિક રૂ.૫.૫૦ કરોડની સહાય મળશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે રજૂ કરવામાં આવેલ ડ્રાફ્ટ અંદાજપત્રમાં નવા વિસ્તારોને પરિવહન સેવા સાથે સાંકળી લેવા તથા નવા વર્ષમાં રોડ પર વધુ ૧૦૦ બસો મુકવા માટેના વાયદા આપવામાં આવ્યાં છે. મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ પાસે હાલ સ્વ.માલિકીની કહી શકાય તેવી આઠ જ બસો છે તથા આગામી નાણાંકીય વર્ષમાં તેવાં કોઈ જ વધારો કે ઘટાડો થશે નહીં.


સંસ્થા દ્વારા ઓપરેશન-મેઈન્ટેનન્સની શરત સાથે ૧૦૦ સી.એન.જી.બસો ભાડે લેવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક રૂ.૬ કરોડની સહાય આપવામાં આવશે. ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ.કોર્પાેરેશનની લોન પર નિર્ભર ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા કોર્પાેરેશન પર ડેપ્યુટેશન પર મોકલવામાં આવેલ કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે.

મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા નવા નાણાંકીય વર્ષમાં ૧૦૦ સીએનજી બસ ભાડેથી લેવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી બસ યોજના અંતર્ગત સંસ્થાને પ્રતિ કિલોમીટર રૂ.૧૨.૫૦ લેખે સહાય મળશે. ટ્રાન્સપોર્ટ સર્વિસના સૂત્રોએ જણાવ્યા મુજબ સદર યોજનાના કારણે સંસ્થાને વાર્ષિક રૂ.૫.૫૦ કરોડનો ફાયદો થશે. સંસ્થા સંચાલિત ૧૩૫ બસો છે. જે પૈકી ૧૨૭ બસો જનમાર્ગ દ્વારા આપવામાં આવી છે જ્યારે ૦૫ મીની સંસ્થાની માલિકીની છે. આગામી નાણાંકીય વર્ષમાં ૧૦૦ સી.એન.જી.બસની ડીલીવરી મળ્યા બાદ ફીડર બસો સ્ક્રેપ કરવામાં આવશે.

૨૦૨૦-૨૧માં સંસ્થા દ્વારા સ્વ-માલિકીની ૧૦૦ બસો રોડ પર મુકવાના દાવા કરવામાં આવ્યા છે. ૨૦૧૯-૨૦માં રોજ સરેરાશ ૩૦૦ બસો રોડ પર મૂકવામાં આવે છે. ૨૦૨૦-૨૧માં ૮૦૦ બસ રોડ પર મૂકવા માટે ટ્રાન્સ. સર્વિસ કટિબદ્ધ છે. મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસની દૈનિક આવકમાં વધારો થઈ રહ્યો છે તથા આગામી નાણાંકીય વર્ષમાં પણ તે જળવાઈ રહેશે. ૨૦૧૯-૨૦માં રૂ.૧૨૦ કરોડ આવક થવાની શક્યતા છે. ૨૦૨૦-૨૧માં સંસ્થાને રૂ.૧૩૨ કરોડની આવક થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

ચાલુ નાણાંકીય વર્ષમાં લાલ દરવાજા ટર્મીનસનો રી-ડેવલપ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લાલ દરવાજા ટર્મીનલને હેરીટેજ ઓપ આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેના માટે રૂ.૫.૭૫ કરોડનો ખર્ચ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સંસ્થાનું લગભગ ૧૦૦ ટકા ખાનગીકરણ થઈ રહ્યું હોવાથી ૭૦૦ કંડકટરોની ફાળવણી મનપામાં કરવામાં આવી હતી. જે પૈકી ૧૦૨ કંડકટર પરત આવ્યાં છે. આ તમામ કંડકટર મનપામાં ફરજ બજાવી રહ્યા હોવા છતાં તેના પગાર પેટે વાર્ષિક રૂ.૩૦ કરોડનો ખર્ચ ટ્રાન્સ.સર્વિસ ભોગવી રહી છે.

જ્યારે ખાનગી કોન્ટ્રાક્ટરોને વાર્ષિક રૂ.૧૫૦ કરોડ ચૂકવવામાં આવી રહ્યા છે. મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસના દેવા માટે આવા કારણોને જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ચાલુ વર્ષે રૂ.૩૩૯ કરોડ લોન પેટે મળશે. જ્યારે ૨૦૨૦-૨૧માં મનપા પાસેથી લોન પેટે રૂ.૩૫૫ કરોડ મળવાની અપેક્ષા રાખવામાં આવી છે.

સંસ્થા દ્વારા કોન્ટ્રાક્ટરોને રૂ.૧૫૦ કરોડ ચૂકવાય છે તેની સામે કાયમી કર્મચારીઓને પગાર પેટે વાર્ષિક રૂ.૧૩૦ કરોડ અને પેન્શન પેટે રૂ.૧૦૦ કરોડ ચૂકવવામાં આવે છે. આમ, કાયમી કર્મચારી કરતા કોન્ટ્રાક્ટરોને વધુ રકમ ચૂકવવામાં આવી રહી છે. તેમ છતાં મ્યુનિ.સત્તાધીશો ખાનગીકરણના ફાયદા સમજાવી રહ્યાં છે.
દેશની આઝાદી પહેલાં જેની સ્થાપના થઈ હતી તે અમદાવાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસની દુર્દશા માટે રાજકારણીઓને જ જવાબદાર માનવામાં આવી રહ્યા છે.

૨૦૦૫-૦૬માં ભાજપાએ મનપામાં પુનઃસત્તા સંભાળ્યા બાદ એક હજાર બસો દોડાવવાનો જાહેરાત કરી હતી. તે સમયે સંસ્થા પાસે ૨૮૦ જેટલી સ્વ.માલિકીની બસો હતી જ્યારે ૧૫ વર્ષ બાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ પાસે સ્વ-માલિકીની માત્ર ૦૮ બસો છે જ્યારે બાકી ૭૭૨ બસો કોન્ટ્રાક્ટરો પાસેથી લેવામાં આવશે. વાર્ષિક રૂ.૪૯૮ કરોડના અંદાજપત્રમાં સ્વ.માલિકીની નવી દસ બસ ખરીદ કરવાની પણ જાગવાઈ કરવામાં આવી નથી. સંસ્થાની ૦૮ બસોને ત્રણ વર્ષ થઈ ચૂક્યા છે. આગામી બે-ત્રણ વર્ષમાં આ બસોને પણ સ્ક્રેપ કરવામાં આવશે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.