ગૃહ મંત્રાલયની સંસદમાં જાહેરાત: દેશભરમાં એનઆરસીનો હાલ કોઈ પ્લાન નથી
નવી દિલ્હી, દેશના વિભિન્ન હિસ્સાઓમાં નાગરિકતા કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે ગૃહ મંત્રાલયએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) લાવવાનો હાલ કોઈ યોજના નથી. આ પહેલી વાર છે જ્યારે સંસદમાં અધિકૃત રીતે આ વાત કહેવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે લોકસભામાં એક લેખિત જવાબમાં આ જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે, હજુ સુધી દેશવ્યાપી એનઆરસીને લઈને સરકારે કોઈ નિર્ણય નથી લીધો. નોંધનીય છે કે, આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ રાજ્યસભામાં જાહેરાત કરી હતી કે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર પ્રક્રિયાને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. આ દરમિયાન તેઓએ દાવો કર્યો કે ધર્મના આધારે કોઈ ભેદભાવ નહીં થાય. શાહના આ નિવેદન બાદ પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં એનઆરસીને લઈને હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. આસામ, ત્રિપુરા અને બંગાળમાં સૌથી વધુ હિંસા થઈ હતી.