Western Times News

Gujarati News

અરવલ્લીની ગિરિમાળા કપાશે તો ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઈ જશે

ગાંધીનગર, ઉત્તર ભારતથી લઈ ગુજરાત સુધી ફેલાયેલી અરવલ્લી પર્વતમાળમાં ખોદકામના મુદ્દે દેશભરમાં ‘અરવલ્લી બચાવા અભિયાન’ શરૂ થઈ ગયું છે. વિકાસના નામે વિનાશની પરવાનગીથી પર્યાવરણનો સફાયો થતાં ઈકો સિસ્ટમ પર તેની ખરાબ અસરો પડશે.

ગુજરાત રાજસ્થાનની સરહદ પર પહાડો અને વનરાજીના અલૌકિક અદ્દભૂત દ્રશ્ય જોવા મળે છે. તસ્વીરમાં બનાસકાંઠામાં આવેલા જેસોર હિલથી દેખાતી અરવલ્લી પર્વતમાળાના અદ્ભુત દર્શન થાય છે. આવા સુંદર દેખાતા પર્વતો પર ‘બુલડોઝરો’ ફરી વળશે અને ખાનાખરાબી કરશે.

ખનીજ માટેનું ખનન પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડશે.અરવલ્લીની ગીરીમાળાને લઈને સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ ગેરકાયદેસર ખનીજ ખનન થવાની સંભાવના વધી છે જેના પગલે રાજસ્થાનમાં વિરોધનો સૂર ઉઠયો છે જેની આગ ગુજરાતમાં પણ લાગી છે. આ તરફ પર્યાવરણવિદોએ એવી ભિતી વ્યક્ત કરી છે કે, જો અરવલ્લીની ગીરીમાળામાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ થશે તો, રાજસ્થાન જ નહીં, ગુજરાત પણ નુકસાનથી બાકાત નહી રહી શકે.

રાજસ્થાનના રણની રેત ગુજરાતમાં પ્રવેશસે પરિણામે ઉત્તર ગુજરાતમાં રણપ્રદેશમાં ફેરવાય તો નવાઈ નહી. સાથે સાથે સાબરમતી અને મેશ્વો નદીમાં પાણીની આવકમાં ઘટાડો થઈ શકે છે. અરવલ્લીની ગિરિમાળાનું આગવું ભૌગોલિક મહત્ત્વ રહ્યું છે.

અરવલ્લીની ગિરિમાળા આજે ગુજરાત માટે રક્ષક દિવાલ બની રહી છે. જો ૧૦૦ મીટર વ્યાખ્યાને ધ્યાને લેવાય તો ૮૦ ટકા પર્વતો અસર વર્તાય તેમ છે. અરવલ્લીની ગીરીમાળાએ સાબરમતી અને મેશ્વો નદીનું ઉદગમ સ્થાન છે, ત્યારે જો ગેરકાયેદસર ખનીજ ખોદકામ થાય તો બંને નદીમાં પાણીની આવક બંધ થઈ જશે. આ ઉપરાંત બંને નદી પર બંધાયેલાં ડેમો પાણી વિના ખાલી થઈ જશે તેવી ભીતિ વ્યક્ત કરતાં પર્યાવરણવિદ મહેશ પંડ્યાનું કહેવુ છે કે, ‘અરવલ્લીની ગીરીમાળાની ઊંચાઈ ઘટી જાય તો, રાજસ્થાનના રણની રેત ગુજરાતમાં પ્રવેશી શકે છે.

પરિણામે એવી પરિસ્થિતીનું નિર્માણ થાય કે, રેતીને લીધે ઉત્તરે ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જીલ્લામાં ફળદ્‌›પ જમીન બંજર બની જાય તો નવાઈ નહીં. ખેતીને નુકસાન થતાં ખેડૂતોને મોટો ફટકો પડે તેમ છે.’આ પર્વતમાળા ગુજરાતમાં આવતા ગરમ પવનને રોકવામાં મદદરૂપ થાય છે, ત્યારે પર્વતમાળાની ઉંચાઇ ઘટે તે ગુજરાતને પોષાય તેમ નથી. ગુજરાતમાં ગીર સહિત અન્ય અભ્યારણો છે જ્યાં પ્રતિબંધ હોવા છતાંય ગેરકાયેદસર ખનીજ ખનન ચાલી રહ્યું છે.

રિસોર્ટ સહિત વ્યવસાયિક પ્રવૃતિ ધમધમી રહી છે. ૧૦૦ મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતાં પહાડો દૂર થશે તો આદિવાસીઓનું પણ અસ્તિત્વ જોખમાશે જેના પગલે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ રેલી-વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.