ડીસાના તાલેંગંજમાં ઝાટકા મશીનના કરંટથી બે સગાભાઈઓના મોત
એક ભાઈ બીજાને બચાવવા જતાં તેમને પણ કરંટ લાગ્યો
ખેતરમાં કામ દરમિયાન અચાનક એક ભાઈનો હાથ આ હાઈ-વોલ્ટેજ તારને અડકી ગયો હતો.
કરંટ એટલો તીવ્ર હતો કે તે ભાઈ ત્યાં જ તરફડવા લાગ્યા હતા
ડીસા, ભીલડી,ડીસા તાલુકાના તાલેગંજ ગામે ખેતરના પાકના રક્ષણ માટે લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક ઝટકા મશીને રક્ષકને બદલે ભક્ષકનું રૂપ ધારણ કરતા રબારી સમાજના બે સગા ભાઈઓના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. એક ભાઈને કરંટ લાગતાં તેને બચાવવા ગયેલા બીજા ભાઈને પણ વીજળીનો જોરદાર ઝટકો લાગતાં બંનેના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.ડીસાના તાલેગંજ ગામના કાનાભાઈ ધૂડાભાઈ પાનકુટા અને મોહનભાઈ ધૂડાભાઈ પાનકુટા નામના બે ભાઈઓ સોમવારે સવારે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા.
ખેતરની ફરતે જંગલી પશુઓથી રક્ષણ મેળવવા માટે સોલાર કે ઇલેક્ટ્રિક ઝટકા મશીનનું વાયરિંગ કરવામાં આવ્યું હતું. ખેતરમાં કામ દરમિયાન અચાનક એક ભાઈનો હાથ આ હાઈ-વોલ્ટેજ તારને અડકી ગયો હતો. કરંટ એટલો તીવ્ર હતો કે તે ભાઈ ત્યાં જ તરફડવા લાગ્યા હતા. પોતાના સગા ભાઈને મરણતોલ હાલતમાં જોઈને બીજા ભાઈએ કશું જ વિચાર્યા વગર તેને બચાવવા માટે હાથ લંબાવ્યો હતો. કમનસીબે, તેમને પણ વીજળીનો જોરદાર ઝટકો લાગ્યો હતો. જોતજોતામાં બંને ભાઈઓ ખેતરમાં જ ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
એક જ પરિવારના બે ભાઈઓના અકાળે અવસાનથી પાનકુટા પરિવાર પર વજ્રઘાત થયો છે. ગામમાં અને રબારી સમાજમાં આ વાત વાયુવેગે પ્રસરતા લોકોનાં ટોળેટોળા ખેતરે ઉમટી પડ્યા હતા. હોસ્પિટલ ખસેડતાં પહેલા જ બંનેના મોત થતાં સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે. સામાન્ય રીતે ખેતરોમાં વપરાતા ઝટકા મશીનો માત્ર પશુઓને ડરાવવા માટે હોય છે, પરંતુ આ કિસ્સામાં પ્રવાહ કેટલો વધુ હતો અને શું મશીનમાં કોઈ ખામી હતી કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ss1
