બે બાળકોને છોડીને હિંમતનગર આવેલી ર૦ વર્ષીય પરણિતાને સમજાવી ઘરે મોકલી
પ્રતિકાત્મક
હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામના માધ્યમથી થયેલા પ્રેમ સંબંધમાં અંધ બની, પોતાના બે બાળકો અને પરિવારને છોડીને હિંમતનગર દોડી આવેલી ર૦ વર્ષીય પરણિત મહિલાને સમજાવટ અને કાઉન્સેલિગ બાદ તેના પરિવાર સાથે સુરક્ષિત પુનઃ સ્થાપન કરવામાં આવ્યું હતું.
રાધનપુર વિસ્તારની ર૦ વર્ષીય એક મહિલા હિંમતનગરના એક યુવક સાથે લગ્ન કરવાની જીદ સાથે રાત્રિના સમયે એકલી હિંમતનગર આવી પહોંચી હતી. આ બાબતની જાણ થતા મહિલા અને બાળ અધિકારીશ્રી તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટરના સામાજિક કાર્યકર દ્વારા મહિલાને આશ્રય આપી પુછપરછ શરૂ કરવામાં આવી હતી.
શરૂઆતમાં આ મહિલાએ સેન્ટરને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તે અપરિણીત છે અને હિંમતનગરના યુવક સાથે છેલ્લા એક વર્ષથી ઈન્સ્ટાગ્રામ પર પ્રેમમાં હોવાથી તેની સાથે લગ્ન કરવા માંગે છે. જોકે સામાજિક કાર્યકરને તેની વાતોમાં વિસંગતતા જણાતા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
મહિલાએ આપેલા સંપર્ક નંબર પર જયારે પરિવારે વાત કરી, ત્યારે સત્ય બહાર આવ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું કે આ મહિલા પહેલેથી જ પરિણીત છે અને તેને બે સંતાનો પણ છે. પરિવાર છેલ્લા કેટલાક દિવસોથી તેની શોધખોળ કરી રહ્યો હતો અને આ અંગે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. વીડીયો કોલ દ્વારા ખરાઈ કરતા પરિવારે પોતાની દીકરીન ેઓળખી કાઢી હતી.
પોતાની ભૂલ સમજાતા અને સેન્ટરના કાઉન્સેલિંગ બાદ મહિલાએ સત્ય સ્વીકાર્યું હતું. ગણતરીના કલાકોમાં જ રાધનપુરથી મહિલાનો પરિવાર હિંમતનગર આવી પહોચ્યો હતો. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી મહિલાને તેના પિતા અને પરિવારને સોંપવામાં આવી હતી.
પોતાની દીકરી સુરક્ષિત મળી આવતા પરિવારે હર્ષની લાગણી વ્યકત કરી હતી અને મુશ્કેલ સમયમાં મહિલાઓને તાત્કાલીક સહાય પુરી પાડતી સરકારની ‘સખી વન સ્ટોપ સેન્ટર’ યોજનાની કામગીરીને બિરદાવી હતી.
