Western Times News

Gujarati News

મેડિકલ વિદ્યાર્થીઓ પર કોલેજ બદલવા પરનો સંપૂર્ણ પ્રતિબંધ અમાન્યઃHC

વિદ્યાર્થીઓના માઇગ્રેશનને છૂટ આપવા નવી નીતિ ઘડવા NMCને આદેશ

દૃષ્ટિમાં ૪૦ ટકા ખામી ધરાવતા એક મેડિકલ વિદ્યાર્થીની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો હતો

નવી દિલ્હી, મેડિકલ વિદ્યાર્થીઓના એક કોલેજમાંથી બીજી કોલેજમાં માઇગ્રેશનને છૂટ આપવા યોગ્ય નીતિ ઘડવાનો નેશનલ મેડિકલ કમિશન (NMC)ને આદેશ આપતા દિલ્હી હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે મેડિકલ વિદ્યાર્થીના એક કોલેજમાંથી બીજી કોલેજમાં ટ્રાન્સફર પર સંપૂર્ણ પ્રતિબંધ અમાન્ય અને મનસ્વી છે.ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન, ૨૦૨૩નો નિયમ ૧૮ સ્પષ્ટપણે ગેરવાજબી અને મનસ્વી છે.

દૃષ્ટિમાં ૪૦ ટકા ખામી ધરાવતા એક મેડિકલ વિદ્યાર્થીની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ વિદ્યાર્થીએ બાડમેરની સરકારી મેડિકલ કોલેજમાંથી દિલ્હીની કોલેજમાં સ્થળાંતરની માગણી કરી હતી. હાઇકોર્ટે આ અંગે ત્રણ સપ્તાહમાં નિર્ણય કરવા એનએમસીને આદેશ આપ્યો હતો.હાઇકોર્ટે જણાવ્યું હતું કે તમામ મેડિકલ સંસ્થાઓમાં તબીબી શિક્ષણમાં સ્ટાન્ડર્ડ અને સમાનતા જાળવી રાખવાના નામે વિદ્યાર્થીના માઇગ્રેશન કે ટ્રાન્સફર પરનો સંપૂર્ણ પ્રતિબંધ વાજબી નથી. આ કેસની સ્થિતિની જેમ વિદ્યાર્થીને વિવિધ સ્થિતિમાં કોલેજ બદલવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે.

આવો પ્રતિબંધ સ્પષ્ટપણે ગેરવાજબી અને મનસ્વી છે.કોર્ટે અવલોકન કર્યું હતું કે માઇગ્રેશનનો દુરુપયોગ થઈ શકે છે, તેવી NMCની દલીલ ટકી શકે નહીં, કારણ કે દુરુપયોગ થવાની શક્યતાને આધારે કોઇ નાગરિકના કાયદેસરના હકોનો ઇનકાર કરી શકાય નહીં. અરજદારની તબીબી સ્થિતિ બાડમેરના વાતાવરણને કારણે વધુ ખરાબ થઈ રહી હતી અને દિવ્યાંગ વ્યક્તિઓના હકો અંગેના ધારામાં દિવ્યાંગોને યોગ્ય રહેઠાણ અને વાતાવરણ પૂરું પાડવાની જોગવાઈ છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.