Western Times News

Gujarati News

‘વંદે માતરમ‘ માટે નવા નિયમો જાહેર રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત

નવી દિલ્હી, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ‘ના સન્માન અને તેના ગાયન માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. આ નવા પ્રોટોકોલ મુજબ, હવે સત્તાવાર કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન(જન ગણ મન)ની સાથે વંદે માતરમ ગાવાના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ, હવેથી કોઈપણ સરકારી કે સત્તાવાર કાર્યક્રમમાં વંદે માતરમનું સન્માન રાષ્ટ્રગાનની સમકક્ષ જાળવવાનું રહેશે.

નવા ફેરફાર મુજબ, જો કાર્યક્રમમાં બંને ગીતોનો સમાવેશ હોય, તો સૌપ્રથમ વંદે માતરમ ગાઈને તેની શરૂઆત કરવામાં આવશે. આ દરમિયાન જે રીતે રાષ્ટ્રગાન વખતે સાવધાનની મુદ્રામાં ઊભા રહેવામાં આવે છે, તે જ રીતે હવે વંદે માતરમ વખતે પણ ઊભા રહેવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ નિયમ રાષ્ટ્રધ્વજ ફરકાવવા, કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિના આગમન અને તેમના ભાષણો કે રાષ્ટ્રના નામે સંબોધનથી પહેલા અને બાદમાં લાગુ પડશે. આની સાથે રાજ્યના રાજ્યપાલોના આગમન અને તેમના ભાષણોથી પહેલા અને બાદમાં પણ નક્કી મુદ્દત અને સંસ્કરણનું પાલન કરવું ફરજિયાત કરાયું છે.

અત્યાર સુધી વંદે માતરમના માત્ર પ્રથમ કેટલાક અંશો જ ગાવાની પરંપરા રહી છે, પરંતુ નવા નિયમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે તેના ૬ છંદો ગાવામાં આવશે. આ સમગ્ર ગાયન માટે અંદાજે ૩ મિનિટ અને ૧૦ સેકન્ડનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ નિર્ણયનો હેતુ રાષ્ટ્રીય ગીતના સંપૂર્ણ સન્માન અને તેના ઐતિહાસિક મહત્ત્વને જાળવી રાખવાનો છે.સરકારનું માનવું છે કે રાષ્ટ્રીગીત ‘વંદે માતરમ‘ એ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું પ્રતિક છે અને તેને રાષ્ટ્રગાન જેટલું જ સન્માન મળવું જોઈએ. લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ બાદ હવે આ ગીતના ગાયન માટે સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે, જેથી સાર્વજનિક કાર્યક્રમોમાં એકસૂત્રતા જળવાઈ રહે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.