નડિયાદના શ્રેયસ ઓવરબ્રિજના બાંધકામ માટે રેલવેની સૈદ્ધાંતિક મંજૂરી મળી
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદના શ્રેયસ ઓવરબ્રિજના બાંધકામ માટે રેલવેની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે આવનાર સમયમાં આ ઓવરબ્રિજ આ સ્થળે બનશે જેના કારણે પ્રજાને ટ્રાફિકના પ્રશ્નથી રાહત મળશે. ભારત સરકાર દ્વારા દેશના રેલવે સ્ટેશનોને અત્યાધુનિક બનાવવા અને મુસાફર જનતાની સુવિધાઓને સુચારુ બનાવવા અમૃત ભારત રેલવે સ્ટેશનની કાર્ય યોજના હાથ ધરાઈ છે.
તેમાં ખેડા જિલ્લાના હાર્દસમા નડિયાદ જંકશન રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરાયો છે.ત્યારે નડિયાદ રેલવે સ્ટેશન પાસેના શ્રેયસ ગરનાળા પાસે રેલવે ઓવરબ્રિજ બનાવવાની પણ લોકલાગણી હતી.લોકોની આ લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી
જેમાં નડિયાદ શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારની જનતા માટે ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદરૂપ બની રહે તેવા શ્રેયસ ગરનાળા પર રેલવે ઓવરબ્રિજ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.જેનાથી રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે,
અને દરવર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો પણ આવનારા સમયમાં કાયમી ઉકેલ આવશે. રેલવેના મુસાફરો કે જેમનું નડિયાદ સ્ટેશન પરથી શહેરમાં આવાગમન રહેશે તેવી જનતા માટે પણ શ્રેયસ ગરનાળા પરનો રેલ્વે ઓવરબ્રિજ ખૂબ જ ઉપયોગી બની રહેશે.
ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપર્યુક્ત રજૂઆતને ધ્યાનમાં લઈ રેલવે સત્તાવાળાઓએ નડિયાદ સ્ટેશનને અડીને આવેલા શ્રેયસ ગરનાળા પર આર ઓ બી ના બાંધકામ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી લીલીઝંડી આપી દીધી છે.જેનાથી નગરજનોની આતુરતાનો અંત આવતા વર્ષોજૂની માગણી પણ સંતોષાઈ છે.
ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પણ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવજી સહિત ભારત સરકાર પ્રત્યે જનતાના પ્રતિનિધિ તરીકે આભારની લાગણી વ્યક્ત કરી છે.
