દહેગામ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભવ્ય હિંદુ સંમેલનોનું આયોજન
દહેગામ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દહેગામ નગરમાં હિંદુ સમાજ દ્વારા ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ભવ્ય હિંદુ સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક અવસર પર નગરના હિંદુ સમાજમાં વિશેષ ઉત્સાહ અને એકતા જોવા મળી હતી. Rashtriya Swayamsevak Sangh
આ કાર્યક્રમોમાં સંત સમાજના પૂજ્ય મહાનુભાવો તથા સંઘના વરિષ્ઠ સ્વયંસેવકોને વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમના આશીર્વચન અને માર્ગદર્શનથી ઉપસ્થિત હિંદુ સમાજને પ્રેરણા મળી હતી. વક્તાઓએ પોતાના સંબોધનમાં હિંદુ એકતા, સાંસ્કૃતિક જાગૃતિ અને રાષ્ટ્રનિર્માણમાં સમાજની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક વિચારવિમર્શ કર્યો હતો.

સંમેલનોમાં “હિંદુ એકતા અને પંચ પરિવર્તન” વિષય કેન્દ્રસ્થાને રહ્યો હતો. વક્તાઓએ સમાજમાં સમરસતા, કુટુંબ મૂલ્યોનું સંરક્ષણ, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, સ્વદેશી વલણ અને નાગરિક કર્તવ્યોના પાલન જેવા પંચ પરિવર્તનના મુદ્દાઓ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. સમાજજીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિભાવવાની અપીલ કરવામાં આવી હતી..
ત્રણે વિસ્તારોમાં આયોજિત સંમેલનોમાં મોટી સંખ્યામાં માતા-બહેનો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
આ કાર્યક્રમો દ્વારા દહેગામ નગરમાં હિંદુ સમાજની એકતા અને સંગઠનશક્તિનું ઉત્તમ દર્શન થયું હતું.


