Western Times News

Gujarati News

ભરૂચમાં ઈદગાહ પાસે પાણીની ટાંકી માટે જમીનનો વિવાદ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના વેજલપુર બંબાખાના વિસ્તારમાં ઉંચી પાણીની ટાંકી તથા પંપ રૂમના બાંધકામ માટે કલેક્ટર કચેરીને મળેલી દરખાસ્ત બાદ નગરપાલિકાને ફાળવાયેલી જમીન મામલે વિવાદ ઊભો થયો છે.આ જમીન ઈદગાહની હોવાનો દાવો કરી ઈદગાહ વકફ ટ્રસ્ટ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ દરખાસ્ત રદ્દ જમીન પરત આપવાની માંગ કરી છે.

ઈદગાહ વકફ ટ્રસ્ટના આગેવાનો તેમજ આ વિસ્તારના કબ્રસ્તાનના સંચાલકો સહિત મુસ્લિમ અગ્રણીઓએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઇને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

તેઓએ આપેલા આવેદનપત્રમા જણાવ્યા મુજબ વોર્ડ નં.૫, સી.એસ. નં.૧૫૦૬ હેઠળ આવેલી અંદાજે ૨૯૭૭ ચો.મી જમીન નગરપાલિકાને ફાળવવા માટે કલેકટર કચેરી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને જમીનની કિંમતના ૧૦ ટકા મુજબ રૂ.૩૮,૭૦,૧૦૦ ભરપાઈ કરી આગોતરો કબજો સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.જોકે આ હુકમનો મુસ્લિમ સમાજે સખ્ત વિરોધ નોંધાવ્યો છે.

આ જમીનનો ઈતિહાસિક રેકોર્ડ મુજબ ૧૮૭૫ પૂર્વેથી કબ્રસ્તાન તરીકે ઉપયોગ થતો આવ્યો છે અને જૂના સર્વે રેકોર્ડ તેમજ પ્રોપર્ટી કાર્ડમાં પણ “કબ્રસ્તાન” તરીકે નોંધાયેલ છે. ૧૯૭૫-૭૬ના રીવિઝન સર્વેમાં નવા સી.એસ.નં.૧૫૦૬ તરીકે નોંધ થયા બાદ પણ સરકાર કબ્રસ્તાન તરીકે જ નોંધ ધરાવે છે.મહેસૂલી કાયદા મુજબ કબ્રસ્તાન અથવા સ્મશાન માટેની મીનનું અન્ય હેતુ માટે ફાળવણી કે વેચાણ થઈ શકતું નથી તેમ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.

વધુમાં ટ્રસ્ટના જણાવ્યા અનુસાર હાલ આ જમીનનો વહીવટ ઈદગાહ વકફ ટ્રસ્ટ કરે છે અને બાજુમાં આવેલી જમીન પર ઈદગાહ આવેલી છે જ્યાં ઈદુલફિત્ર,બકરીઈદ સહિતના તહેવારો દરમિયાન હજારો લોકો નમાજ અદા કરે છે. ઉપરાંત જનાજાની નમાજ, ર્પાકિંગ અને ધાર્મિક પ્રસંગોમાં પણ આ જગ્યા ઉપયોગમાં લેવાય છે.

આસપાસ ૧૮થી વધુ કબ્રસ્તાનો આવેલા છે અને નજીક જ જિલ્લા ન્યાયાધીશ બંગલો, કલેકટર બંગલો અને એસ.પી કચેરી આવેલ હોવાથી ર્પાકિંગની સમસ્યા ઉભી થશે અને ટ્રાફિક અવરોધની શક્યતા રહેશે.જમીન ચેરીટી કમિશનર કચેરી તથા ગુજરાત વકફ બોર્ડ ખાતે પણ નોંધાયેલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અગાઉ ટ્રસ્ટો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હોવા છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા ફરી રજૂઆત કરાઈ છે.

જો જમીન ફાળવણીનો હુકમ રદ્દ નહીં થાય તો સમાજની લાગણી દુભાશે અને શહેરના શાંતિપૂર્ણ વાતાવરણ પર અસર પડી શકે છે.અંતે તેમણે હાઈકોર્ટમાં કાનૂની લડત લડવાની પણ ચીમકી ઉચ્ચારી છે.મુસ્લિમ સમાજે કલેકટરને તાત્કાલિક અસરથી ફાળવણી રદ કરી આગળની કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરી છે.ત્યારે તંત્ર શું નિર્ણય લે છે તે હવે જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.