Western Times News

Gujarati News

ગોધરામાં ઉનાળાની શરૂઆત પહેલાં જ પાણીનો કકળાટ

આધ્ય મહેશ્વરી સોસાયટીમાં દસ દિવસથી પીવાના પાણીની તંગી

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરમાં ઉનાળાની શરૂઆત થવાના આરે જ પાણીની સમસ્યાએ માથું ઉંચું કર્યું છે. શહેર નજીક આવેલી આધ્ય મહેશ્વરી સોસાયટીમાં છેલ્લા દસ દિવસથી પીવાના પાણીની ભારે અછત સર્જાતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વારંવાર રજૂઆત છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં ન ભરાતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

રહેવાસીઓના જણાવ્યા મુજબ, પાણી ન મળતા તેમને મજબૂરીએ વેચાતું પાણી ખરીદવું પડી રહ્યું છે, જેના કારણે ઘરખર્ચ પર વધારાનો બોજો આવી રહ્યો છે. હાલ સોસાયટીમાં લગ્ન પ્રસંગ ચાલતા હોવાને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. બહારગામથી આવેલા મહેમાનો માટે નાહવા-ધોવા અને પીવાનું સ્વચ્છ પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે.

વિસ્તારની મહિલાઓને રોજિંદા ઉપયોગ માટે દૂર સુધી જઈને પાણી ભરવું પડે છે. ગરમી વધતા પાણીની માંગ પણ વધી રહી છે, ત્યારે પુરવઠો ખોરવાતા લોકોમાં ચિંતા વધી છે. સ્થાનિકો કહે છે કે દર વર્ષે ફેબ્રુઆરી મહિનાથી જ પાણીની અછતનો સામનો કરવો પડે છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.

રહેવાસીઓએ પંચમહાલ જિલ્લા પ્રશાસન અને નગરપાલિકા તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. પાણીનો નિયમિત અને પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે લાંબા ગાળાનો કાયમી ઉપાય હાથ ધરવાની માંગ ઉઠી છે. ઉનાળો હજુ શરૂ જ થયો છે ત્યારે જ આવી પરિસ્થિતિ સર્જાતા, આગામી દિવસોમાં સ્થિતિ વધુ બગડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.