Western Times News

Gujarati News

દંભી પાકિસ્તાન રમઝાન માસમાં નિર્દોષ અફઘાનીઓની હત્યા કરી રહ્યું છેઃ ભારત

સંયુક્ત રાષ્ટ્ર, પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરાઈ રહેલાં હવાઈ હુમલાંને ભારતે આંતરરાષ્ટ્રીય નિયમોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રમાં આ મામલે પાકિસ્તાનની બેવડાં વલણની ટીકા કરતાં ભારતે જણાવ્યું હતું કે, પાકિસ્તાન એક બાજુ ઈસ્લામ એકતાની વાત કરે છે અને બીજી તરફ રમઝાનના પવિત્ર મહિનામાં અફઘાનિસ્તાનના નિર્દાેષ નાગરિકોનો ભોગ લઈ રહ્યું છે, જે તેની દંભી માનસિકતા દર્શાવે છે.

અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં યોજાયેલી ચર્ચામાં ભાગ લેતાં ભારતના કાયમી પ્રતિનિધિ હરિશ પાર્વથનેનીએ જણાવ્યું હતું કે, ભારત અફઘાનિસ્તાન પરના હવાઈ હુમલાઓની સખત નિંદા કરે છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા, યુએન ચાર્ટર અને રાજ્યની સાર્વભૌમત્વના સિદ્ધાંતનું ઘોર ઉલ્લંઘન છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ આંતરરાષ્ટ્રીય કાયદા અને ઇસ્લામિક એકતાના ઉચ્ચ સિદ્ધાંતોનું સમર્થન કરવું અને બીજી તરફ પવિત્ર રમઝાન માસ દરમિયાન નિર્દયતાથી હવાઈ હુમલા કરવા તે દંભી વલણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને કરેલાં હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ૧૮૫ નિર્દાેષ અફઘાની નાગરિકો માર્યા ગયા છે. અફઘાનિસ્તાન સ્થિત યુએન આસિસ્ટન્સ મિશન અનુસાર, ૧૮૫ મૃતકોમાંથી લગભગ ૫૫ ટકા મહિલાઓ અને બાળકો હતાં.

આ હુમલાઓને કારણે ૧,૦૦,૦૦૦ થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. હરીશે વધુમાં જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનો અહેવાલ પણ સરહદ પારની સશસ્ત્ર હિંસાને કારણે થતાં નાગરિકોના મૃત્યુ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરે છે. આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન અને નાગરિકોની સુરક્ષા અંગે તેમણે કરેલી અપીલનું ભારત સમર્થન કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.