તિથી ભોજનના દાતાઓનું ૬ વર્ષનું વેઇટીંગ લીસ્ટ- અન્ય ગામો માટે પ્રેરણાદાયી
પાલનપુર: બાળકોના ઘડતરમાં મમ્મી-પપ્પા અને પરિવાર પછી શાળાના શિક્ષકોની ભૂમિકા બહુ મહત્વની હોય છે. ઘણા વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોને પ્રેરણાદાયી અને આદર્શ માનતા હોય છે. શિક્ષકોનું આચરણ અને પ્રતિભા જોઇને વિદ્યાર્થીઓ તેને અનુસરતા હોય છે. શિક્ષકો જયારે સમર્પણભાવે કામ કરે ત્યારે સફળતા જાણે સામેથી આવી મળે છે. આજે વાત કરવી છે એવી એક સરસ શાળાની જયાં બાળકો ઉત્સાહ, આનંદ અને સંસ્કારો સાથે સરસ શિક્ષણ મેળવે છે.
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક દાંતાથી ત્રણેક કિ.મી. ના અંતરે ખેરોજ ગામમાં પ્રાથમિક શાળા છે. અહીં ધોરણ ૧ થી ૮ માં કુલ ૩૨૩ બાળકો અભ્યાસ કરે છે. શાળામાં અભ્યાસ કરતા દિકરા-દિકરીઓનું પ્રમાણ લગભગ સરખુ છે. આ શાળામાં ખેરોજ ગામના તેમજ આસપાસના અંતરિયાળ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. અંતરિયાળ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓને લાવવા-લઇ જવા માટે સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ ટ્રાન્સપોર્ટેશનનની સુવિધા અન્વયે પાંચ વાહનો મુકવામાં આવ્યા છે. શાળામાં જરૂરી તમામ ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
ખેરોજ ગામના લોકોને શિક્ષણનું મહત્વ બહુ સારી રીતે સમજાયું છે. શાળાના વિકાસ અને બાળકોના શ્રેષ્ઠ ઘડતર માટે ગામલોકો હમેશાં તત્પર રહે છે. ગામલોકો શાળાના શિક્ષકો સાથે સંકલનમાં રહી બાળકોની શૈક્ષણીક પ્રગતિ અને તેના રસ-રૂચિથી માહિતગાર રહે છે એટલુ જ નહી શાળાને કોઇ સહયોગની જરૂર હોય તો ગામલોકો ઉત્સાહભેર મદદરૂપ બને છે. દા.ત. બાળકોને રમવાના મેદાન માટે શાળા સંકુલમાં આવેલ ટેકરી તોડવાની હોવાથી ગામના લોકોએ પોતાના ટ્રેકટર અને માણસો મુકી આશરે બે લાખનો ખર્ચ સ્વેચ્છાએ કરી સરસ મેદાન બનાવી આપ્યું.
મહત્વની વાત એ છે કે આ શાળાના વિદ્યાર્થીઓને મહિનામાં ઓછામાં ઓછુ એકવાર તિથિ ભોજન સ્વરૂપે પૌષ્ટીક આહાર મળે તે માટે વર્ષ ૨૦૧૩માં શાળાના શિક્ષકોએ ગામલોકોને વાત કરી ને તરત જ ગામલોકો શાળામાં એકત્ર થયા….. દાતાઓના નામની નોંધણી શરૂ થઇ. વર્ષ ૨૦૧૩માં નોંધણી થયેલ દાતાઓનું લિસ્ટ વેઇટીંગ લિસ્ટ બની ગયું. છેલ્લા સાત વર્ષથી ખેરોજ ગામની પ્રાથમિક શાળામાં મહિનામાં ઓછામાં ઓછુ એકવાર તિથીભોજન આપવામાં આવે છે. તિથીભોજનમાં ચોખ્ખા ઘીની વાનગીઓ આપવામાં આવે છે. ઉપરાંત સરકારશ્રીની દૂધ સંજીવની યોજના અન્વયે બાળકોને દરરોજ પ્રાર્થના પછી ૨૦૦ મિ.લી. બનાસડેરીના પૌષ્ટીક દૂધના પાઉચ અને બપોરે મધ્યાહન ભોજન આપવામાં આવે છે.
શાળામાં સંસ્કારો અને શિસ્ત સાથે વિદ્યાર્થીઓનું ઘડતર કરવામાં આવે છે. સમગ્ર સ્કુલ કેમ્પસમાં સરસ સ્વચ્છતા જોવા મળી. આંખો બંધ કરીને સરસ પ્રાર્થના કરતા વિદ્યાર્થીઓને જોઇને આનંદ થાય. મન બોલી ઉઠે વાહ…., કોઇ વિદ્યાર્થીને અભ્યાસ અંગે જરાપણ મુંઝવણ હોય તો હાથ ઉંચો કરી વિનયપૂર્વક શિક્ષકને પ્રશ્ન પુછી લે છે. આ શાળાના શિક્ષકો વાત્સલ્યભાવથી વિદ્યાર્થીઓને બેટા કહીને જ બોલાવે છે. શાળામાં અભ્યાસ કરતા દિકરા-દિકરીઓના મરક મરક હસતા ચહેરા જોઇને જ સમજી જવાય કે આ શાળામાં આનંદ, ઉત્સાહ અને જ્ઞાન ચોમેર પથરાયેલ છે. શાળાના શિક્ષકો માટે પણ આપોઆપ જ માન થઇ જાય છે કે કેટલુ કાળજીથી બાળકોને સાચવીને ઘડતર કરે છે……iii
વિદ્યાર્થીઓ વાંચનમાં રસ કેળવે તે માટે પુસ્તકો આપવામાં આવે છે. દરરોજ એક વિદ્યાર્થી પ્રાર્થના સમયે પુસ્તકમાં તેણે શું વાંચ્યુ, પુસ્તકના લેખક કોણ છે, પુસ્તકમાંથી તેને શું જાણવા મળ્યું, શું ફાયદો થયો તે જણાવે છે.
શાળામાં વિદ્યાર્થીઓ રસપૂર્વક ભણે છે અને બમણા રસથી શિક્ષકો ભણાવે પણ છે એટલે જ તો ગણીત-વિજ્ઞાન પ્રદર્શનમાં ખેરોજ પ્રાથમિક શાળા રાજયકક્ષા સુધી પહોંચી છે. ઓછા પાણીથી વધુ ખેતી કરી શકાય તે માટે શાળાના વિદ્યાર્થીઓએ બાયોડિગ્રેડેબલ હાયડ્રેજેલ નામની કુતિ બનાવી રાજયકક્ષા સુધી સફળતાપૂર્વક પહોંચ્યા છે.
શાળાનાં આચાર્યા રાજશ્રીબેન પટેલ શું કહે છે…..,
અમારી શાળામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે કાળજીપૂર્વક પ્રયાસો કરવામાં આવે છે. ગામલોકોના સહયોગથી વર્ષ ૨૦૧૩ થી આજદિન સુધી મહિનામાં ઓછામાં ઓછુ એકવાર બાળકોને તિથિ ભોજન તરીકે પૌષ્ટીક ભોજન આપવામાં આવે છે. આ શાળાને વિવિધ એવોર્ડ પણ મળ્યા છે.
ગામલોકો શું કહે છે….., શાળા વ્યવસ્થાપન કમિટીના અધ્યક્ષશ્રી ઇબ્રાહીમભાઇ માંકણોજીયા કહે છે કે શાળાની પ્રગતિ માટે ગામલોકો હમેશાં તત્પર હોય છે. શાળામાં શિક્ષકો પણ સારૂ ભણાવે છે. અભરામભાઇ વગદીયા કહે છે કે આસપાસના અંતરિયાળ વિસ્તારોમાંથી બાળકોને લાવવા-લઇ જવા માટે સરકારશ્રી દ્વારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે પાંચ વાહનો મુકવામાં આવ્યા છે. દાઉદભાઇ રાજેભાઇ માંકણોજીયા કહે છે કે શિક્ષકો બાળકોને સારૂ ભણાવે છે એટલે તો ગણીત-વિજ્ઞાન પ્રદર્શનમાં અને રમતોમાં શાળા રાજયકક્ષા સુધી પહોંચી છે.
વિકાસના આ યુગમાં બાળકોને સારી રીતે ભણાવીએ. બનાસકાંઠા જીલ્લામાં મબલખ દૂધ ઉત્પાદન થાય છે ત્યારે બાળકોને દૂધ, ઘી- પોષણ આહાર આપીને તંદુરસ્ત અને શક્તિશાળી બનાવીએ. કૂપોષણના દૂષણને નિવારવા આપણે સૌ સહભાગી બનીએ.