Western Times News

Gujarati News

બાળક પર કૂતરાનો હિંસક હુમલો, માલિક સામે પોલીસ ફરિયાદ

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં એક હિંસક રાટવીલર શ્વાને ૯ વર્ષના નિર્દોષ બાળક પર અચાનક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, બાળક મોબાઈલમાં ગેમ રમતો હતો, ત્યારે આ રાટવીલર શ્વાને અચાનક હિંસક રૂપ ધારણ કરી જીવલેણ હુમલો કરી દીધો હતો.

જે બાદ બાળકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે હાલ સમગ્ર મામલે શ્વાનના માલિક સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી લાડ સોસાયટી પરિસરમાં અશ્વિન નામનો ૯ વર્ષનો બાળક બેસીને શાંતિથી પોતાના મોબાઈલ ફોનમાં ગેમ રમી રહ્યો હતો.

આ દરમિયાન અચાનક જ એક રાટવીલર શ્વાન ત્યાં ધસી આવ્યો હતો અને કોઈ પણ ઉશ્કેરણી વગર બાળક પર જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલો કરનાર શ્વાન એટલો આક્રમક હતો કે તેના તીક્ષ્ણ દાંત બાળકના માથામાં ઊંડે સુધી ખૂંપી ગયા હતા, જેના કારણે બાળક લોહીલુહાણ થઈ ગયો હતો.

હુમલાના સમયે બાળક અત્યંત ડરી ગયો હતો, છતાં તેણે સૂઝબૂઝ વાપરી પોતાનો જીવ બચાવવા માટે પાસે ઉભેલી એક કારની નીચે સંતાઈ જવાને કારણે બચી ગયો હતો. તે વેળાએ બાળકની ચીસાચીસ અને બૂમાબૂમ સાંભળીને આસપાસના સ્થાનિક રહીશો અને બાળકના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારે લોકોના ટોળાને જોઈને શ્વાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.