Western Times News

Gujarati News

મિડલ ઈસ્ટમાં મહાવિનાશની આહટઃ અમેરિકાનો ઈરાન પર પ્રચંડ મિસાઈલ હુમલો

અનેક શહેરોમાં ધમાકા

ફેબ્રુઆરી ૨૦૨૬માં શરૂ થયેલા યુદ્ધ બાદ એપ્રિલમાં પાકિસ્તાનની મધ્યસ્થતાથી યુદ્ધવિરામ થયો હતો

નવી દિલ્હી, પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં શાંતિના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે અને યુદ્ધના વાદળો ફરી એકવાર ઘેરા બન્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથની આકરી ચેતવણી બાદ,અમેરિકન સેનાએ ઈરાન સરહદની અંદર ઘૂસીને તેના અનેક વ્યૂહાત્મક અને મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર જોરદાર એર સ્ટ્રાઈક કરી છે. આ હુમલા બાદ ઈરાનના સિરીક, મીનાબ, કિશ દ્વીપ અને દરિયાકાંઠાના વિસ્તાર બંદર અબ્બાસ સહિતના અનેક વિસ્તારો શક્તિશાળી વિસ્ફોટોથી ધણધણી ઉઠ્યા છે.અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ સૈન્ય કાર્યવાહીની સત્તાવાર પુષ્ટિ કરી છે.

સેન્ટ્રકોમે જણાવ્યું છે કે કમાન્ડર-ઈન-ચીફ (પ્રમુખ) ના આદેશ પર ઈસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ સાંજે ૫ઃ૧૫ વાગ્યે ઈરાનના આંતરિક વિસ્તારોમાં આ ઓપરેશન શરૂ કરાયું હતું. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ઈરાન દ્વારા સતત કરવામાં આવતી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ અને આક્રમકતાનો આ જડબાતોડ જવાબ છે.ઈરાની સત્તાવાર સમાચાર સંસ્થાઓ ‘મેહર’ અને ‘તસ્નીમ‘ ના અહેવાલો મુજબ, અમેરિકન મિસાઈલ હુમલાના તુરંત બાદ ઈરાનના ફાર્સ પ્રાંત અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં એન્ટી-એરક્રાફ્ટ ગન અને એર ડિફેન્સ સિસ્ટમને હાઈ એલર્ટ પર એક્ટિવ કરી દેવામાં આવી છે.

ઈરાની સૈન્યના વરિષ્ઠ અધિકારીઓએ અમેરિકાને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો અમેરિકા આગળ કોઈ પગલું ભરશે તો તેના મિડલ ઈસ્ટમાં રહેલા નવા હિતો અને સૈન્ય મથકો સીધા ઈરાનની મિસાઈલોના રડાર પર આવી જશે.સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂતે અમેરિકા સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બળપ્રયોગ કે ડરાવી-ધમકાવીને ઈરાન પાસે કોઈ સમજૂતી કરાવી શકાશે નહીં. ઈરાન ક્યારેય દબાણ વશ થઈને સરન્ડર કરશે નહીં.સ્થિતિ વણસતી જોઈ બગદાદ (ઈરાક) સ્થિત અમેરિકન એમ્બેસીએ આસપાસના વિસ્તારોમાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને અત્યંત સાવધ રહેવા અને કડક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા તાકીદ કરી છે.

પ્રમુખ ટ્રમ્પે ઈરાનને ચેતવતા કહ્યું હતું કે, “શાંતિ કરારમાં ઈરાને બહુ સમય બગાડ્યો છે અને હવે તેણે કિંમત ચૂકવવી પડશે.” તેમણે હોર્મુઝ સ્ટ્રેટ માં અમેરિકન નૌકાદળની નાકાબંધીને લોખંડી દીવાલ ગણાવી હતી.ઉલ્લેખનીય છે કે, ફેબ્›આરી ૨૦૨૬માં શરૂ થયેલા યુદ્ધ બાદ એપ્રિલમાં પાકિસ્તાનની મધ્યસ્થતાથી યુદ્ધવિરામ થયો હતો, પરંતુ આ તાજા હુમલાએ સીઝફાયરના લીરેલીરા ઉડાડી દીધા છે અને વિશ્વ પર ફરી આર્થિક અને સૈન્ય કટોકટીનું જોખમ ઊભું થયું છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.