Western Times News

Gujarati News

૫,૧૨૩ સરકારી કર્મચારીઓ પાસેથી રૂ.૧૬.૫૮ લાખ દંડ વસૂલાયો હેલ્મેટ નિયમભંગ કરવા બદલ

પ્રતિકાત્મક

એક મહિનાની રાજ્યવ્યાપી હેલ્મેટ ડ્રાઈવ  –રાજ્યભરમાં નિયમ ભંગ કરનાર વિરુધ્ધ કુલ ૧.૮૮ લાખથી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરીને રૂ. ૫.૨૧ કરોડનો દંડ કર્યો

દંડ વસૂલવો એ લક્ષ્ય નથીનાગરિકોની જિંદગી  બચાવવી એ અમારો સંકલ્પ છે: રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ.મલિક

માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના તા.૧ થી ૩૧ મે દરમિયાન એક મહિનાની વિશેષ “હેલ્મેટ ડ્રાઇવ” યોજવામાં આવી હતી.

આ વિશેષ ઝુંબેશ અંગે રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ.મલિકે જણાવ્યું કેદંડ વસૂલવો એ ગુજરાત પોલીસનું લક્ષ્ય નથીપરંતુ ગુજરાતના પ્રત્યેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. વાહનચાલકો અને પાછળ બેસનાર વ્યક્તિ માત્ર પોલીસના ડરથી કે દંડથી બચવા માટે નહીંપરંતુ પોતાના પરિવારની ખુશીઓ માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ અચૂક પહેરે. માર્ગ સુરક્ષા એ માત્ર પોલીસની જ નહીંઆપણા સૌની સામૂહિક જવાબદારી છે. રાજ્યના તમામ નાગરિકો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરી જવાબદાર નાગરિક બને તેવી અપીલ કરું છું.

માર્ગ અકસ્માતોના અનેક કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે માત્ર એક હેલ્મેટ પહેરવાના કારણે વાહનચાલકનો જીવ આબાદ બચી ગયો હોય. જ્યારે અનેક કિસ્સાઓમાં “જો હેલ્મેટ પહેર્યું હોતતો આજે આપણો વ્હાલસોયો સ્વજન જીવિત હોત…” તેવો કાયમી વસવસો પરિવારે આજીવન ભોગવવો પડે છે. ગુજરાત પોલીસ નથી ઈચ્છતી કે કોઈ પણ પરિવાર આવો આઘાત સહન કરે. પોલીસ દ્વારા અવારનવાર એવી પણ ડ્રાઈવ કરાય છે જેમાં નિયમભંગ કરનારને દંડ કરવાને બદલે ગુલાબનું ફૂલ કે હેલ્મેટ આપીને તેનું મહત્વ સમજાવવામાં આવે છે.

ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ નહીં પણ દરેક માટે સમાન છે તે આ ડ્રાઈવ દરમિયાન સાબિત કરવામાં આવ્યું છે. સરકારી કચેરીઓના પ્રવેશદ્વારે જ ટ્રાફિક પોલીસ તૈનાત કરીને નિયમભંગ કરનારા ૫,૧૨૩ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ રૂ. ૧૬.૫૮ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યભરમાં યોજાયેલી આ ઝુંબેશમાં સરકારી અધિકારી કર્મચારીઓ સહિત કુલ ૧.૮૮ લાખથી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ રૂ. ૫.૨૧ કરોડની રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.