Western Times News

Gujarati News

આખરે ‘લૂંટેરી દુલ્હન’ અને તેના સાગરીતો ઝડાયા

AI Image

ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક કુંવારા યુવકોને આ જ રીતે લગ્નની જાળમાં ફસાવીને શિકાર બનાવ્યા

(એજન્સી)લુણાવાડા, મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ફેબ્રુઆરી મહિનામાં બનેલી ચકચારી ‘લૂંટેરી દુલ્હન’ ગેંગના ગુનાનો પર્દાફાશ કરવામાં મહીસાગર એસઓજીને મોટી સફળતા મળી છે. લગ્નની લાલચ આપી, ખોટી લગ્નવિધિ રચીને એક નિર્દોષ યુવક પાસેથી રૂ.૨,૭૦,૦૦૦ પડાવી ફરાર થઈ ગયેલી લૂંટેરી દુલ્હન અને તેની મુખ્ય મહિલા સાગરીત સહિત ૭ લોકોને પોલીસે દબોચી લીધા છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થોડા સમય પહેલાં લગ્નના નામે મોટી છેતરપિંડી થઈ હતી. આ ટોળકીએ યુવકને લગ્નની લાલચ આપીને પહેલાં કન્યા બતાવી હતી અને ત્યારબાદ વિશ્વાસમાં લઈને ખોટી લગ્નવિધિ કરાવી હતી. લગ્ન બાદ આ લૂંટેરી દુલ્હન થોડા દિવસો સુધી યુવક સાથે પત્ની તરીકે રહી પણ હતી.

તક મળતા જ તે ઘરમાંથી રોકડ રકમ તેમજ કિંમતી દાગીના મળી કુલ રૂ.૨,૭૦,૦૦૦ની મત્તા સકેલીને રાતોરાત ફરાર થઈ ગઈ હતી. છેતરાયા હોવાનો અહેસાસ થતાં જ પીડિત યુવકે ફેબ્રુઆરી માસમાં લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લુણાવાડા પોલીસે ગુનો નોંધીને અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ દરમિયાન પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, પરંતુ આ ગુના પાછળ કુલ સાત આરોપીઓની આખી ગેંગ સક્રિય છે. કેસની ગંભીરતાને જોતાં મહીસાગર એસઓજીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કેસના મુખ્ય બે મહિલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

પકડાયેલી મહિલાઓમાં લૂંટેરી દુલ્હન કોકીલાબેન ભીખાભાઈ પરમાર અને ગુનાની મુખ્ય સૂત્રધાર એવી અન્ય એક મહિલા સુરેખાબેન ઉર્ફે રેખાબેન રાજેશભાઈ પ્રેમસિંગ યાદવનો સમાવેશ થાય છે. હાલમાં મહીસાગર એસઓજી દ્વારા આ બંને મહિલા આરોપીઓની અટકાયત કરીને લુણાવાડા પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પોલીસને આશંકા છે કે આ ટોળકીએ અન્ય જિલ્લાઓ કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક કુંવારા યુવકોને આ જ રીતે લગ્નની જાળમાં ફસાવીને શિકાર બનાવ્યા હોઈ શકે છે. આ દિશામાં પોલીસ હાલ બંને આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.