AMTSના બસ ડેપોમાંથી દારૂની ખાલી બોટલો મળતાં વિવાદ
AMTSના આ ડેપોમાં પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી નવીનકોર 150 ઇલેક્ટ્રિક બસો ડેપોના મેદાનમાં ધૂળ ખાઈ રહી છે.
AMTSના આ ડેપોમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા હતા.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તંત્રની વધુ એક ઘોર બેદરકારી નજરે ચડી છે. શહેરના લાલ દરવાજા વિસ્તારમાં નહેરૂ બ્રિજના છેડે આવેલી જૂની રિટ્ઝ હોટલ તરીકે ઓળખાતી પ્રિમાઈસીસમાં કેટલાંક વર્ષોથી વિદ્યાર્થીઓના બસ કન્સેશન પાસ અને કેટલીક ઈલેક્ટ્રીક બસો ઉભી રાખવા માટે ડેપોની સુવિધા ઉભી કરવામાં આવી છે. AMTSના આ ડેપો અસામાજિક તત્વો અને દારૂડિયાઓનો અડ્ડો બની ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
AMTSના આ ડેપોમાં પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી નવીનકોર 150 ઇલેક્ટ્રિક બસો ડેપોના મેદાનમાં ધૂળ ખાઈ રહી છે. AMTSના આ ડેપોમાંથી દારૃની ખલી બોટલો મળી આવતાં વિવાદ સર્જાયો છે. એટલું જ નહીં પરંતુ AMCના સત્તાધીશો સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે
પરંતુ AMTSના આ ડેપોમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા હતા. AMCના અધિકારીઓ દ્વારા શહેરમાં કોઈ જગ્યાએ કચરો પડ્યો હોય, કોઈ દુકાન, હોટલ, રેસ્ટોરેન્ટ, ખાણીપીણીના એકમો અથવા કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે કચરો કે ગંદકી જોવા મળે તો તેને પેનલ્ટી ફટકારીને સીલ કરવા સુધીના પગલાં લેવામાં આવે છે
ત્યારે ખુદ AMCની મિલક્ત ગણાય તેવા AMTSના આ ડેપોમાં ઠેર ઠેર કચરો અને ગંદકી જોવા મળી છે તો તે માટે કોની જવાબદારી નક્કી કરાશે અને પેનલ્ટી કરવા સહિતના પગલાં લેવામાં આવશે કે નહીં, તેવું ચર્ચાઈ રહ્યું છે.
જોકે, AMTSના આ ડેપોના વિવાદાસ્પદ સમાચાર અને વિડીયો વાયરલ થવાને પગલે AMTSના મેનેજર પાંડેનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, બસ ઓપરેટર JBMને પેનલ્ટી કરવાની અને AMTSના આ ડેપોમાં સફાઈ- સ્વચ્છતા જાળવવા તાકીદ કરાઈ છે.
જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી નવીનકોર ઇલેક્ટ્રિક બસો ડેપોના મેદાનમાં ધૂળ ખાઈ રહી છે અને સુરક્ષાના અભાવે અસામાજિક તત્વો દ્વારા આ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
ગ્રાઉન્ડના દ્રશ્યો જોતા એવું લાગે છે કે અહીં જાણે દારૂડિયાઓની નિયમિત મહેફિલ જામતી હોય, કારણ કે આખા મેદાનમાં સંખ્યાબંધ દારૂની ખાલી બોટલો અને નશા માટે વપરાતી સિરપ તેમજ દવાઓની બાટલીઓનો ખડકલો વેરવિખેર હાલતમાં જોવા મળ્યો છે.
એટલું જ નહીં, અહીં પાર્ક કરાયેલી કેટલીક કિંમતી નવી ઇલેક્ટ્રિક બસોના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે. આ ગંભીર મામલો મીડિયામાં ઉજાગર થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને તેના પગલે સોમવારે બપોરે AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે તાત્કાલિક આ ડેપોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે નવી બસોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને બસોના તૂટેલા કાચ તેમજ ગ્રાઉન્ડમાં પડેલી ગંદકી જોઈને અધિકારીઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, લાલ દરવાજા રૂપાલી સિનેમા નજીક આવેલ AMTSના પાસ ડેપો ખાતે નવી ઇલેક્ટ્રિક બસોના કાચ તૂટવાની અને અસામાજિક તત્વો દ્વારા દારૂની બોટલો ફેંકવામાં આવી હોવાની બાબત ધ્યાને આવતાં સ્થળ મુલાકાત લઈને આખા કમ્પાઉન્ડની તાત્કાલિક સફાઈ કરવામાં આવે
અને ડેપોમાં સિક્યોરિટી હોવા છતાં આવી પ્રવૃત્તિ કેવી રીતે થઈ, તેની તપાસ કરીને જવાબદારો સામે કડક પગલાં લેવાની સૂચના આપી છે. હવે જોવાનું એ રહેશે કે ચેરમેનના આદેશ બાદ અહીં સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત થાય છે અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કોઈ કાયદેસરની કાર્યવાહી થાય છે કે કેમ.
