Western Times News

Gujarati News

ભારત ભાગ્ય વિધાતા’ હરિયાણા અને દિલ્હીમાં ટેક્સ-ફ્રી કરાઈ

કંગના રનૌતની ફિલ્મ મનોજ તાપડિયા દ્વારા લિખિત અને નિર્દેશિત

ફિલ્મની વાર્તા ૨૬/૧૧ ના મુંબઈ આતંકવાદી હુમલાની સત્ય ઘટનાઓ અને પૃષ્ઠભૂમિ પર આધારિત

મુંબઈ,  ‘બોલિવુડ ક્વીન કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મ દેશભરમાં ભારે ચર્ચા જગાવી રહી છે અને તેને દર્શકો તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મની મજબૂત વાર્તા અને દેશભક્તિના સંદેશને ધ્યાનમાં રાખીને હરિયાણા અને દિલ્હી સરકાર દ્વારા આ ફિલ્મને ‘ટેક્સ-ફ્રી’ જાહેર કરવામાં આવી છે. શનિવારે ચંડીગઢ ખાતે ફિલ્મની સ્ટારકાસ્ટ અને મેકર્સ દ્વારા એક સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ વિશેષ હાજરી આપી હતી અને ફિલ્મ નિહાળી હતી.

ફિલ્મ જોયા બાદ મીડિયા સાથે વાતચીત કરતા મુખ્ય પ્રધાન સૈની ભાવુક થયા હતા અને ફિલ્મના વખાણ કરતા જણાવ્યું કે, ‘મેં આ ફિલ્મ જોઈ છે અને હું એટલું જ કહેવા માંગીશ કે આવી પ્રેરણાદાયી ફિલ્મો જે આપણને સાહસ, કરુણા, કર્તવ્ય અને માનવતાનો પાઠ ભણાવે છે તે આપણા સૌએ જોવી જોઈએ. આ ફિલ્મ આપણને આપણા કર્તવ્યોનો અહેસાસ કરાવે છે, તેથી અમે તેને હરિયાણામાં ‘ટેક્સ-ફ્રી’ જાહેર કરવાનો નિર્ણય કર્યાે છે’.હરિયાણા પહેલા દેશની રાજધાની દિલ્હીમાં પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ પણ કંગના રનૌતની એક્ટિંગની સોશિયલ મીડિયા પર ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી.

મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, ‘કંગના રનૌત જીનું દમદાર પર્ફાેર્મન્સ ફિલ્મની લાગણીઓ અને તેના સંદેશને વાચકો-દર્શકો સુધી ખૂબ જ સુંદર રીતે પહોંચાડે છે. આવી ફિલ્મો સમાજમાં સેવા, સંવેદનશીલતા અને કર્તવ્યની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. ફિલ્મની પૂરી ટીમને દિલથી શુભકામનાઓ’. મનોજ તાપડિયા દ્વારા લિખિત અને નિર્દેશિત આ ફિલ્મની વાર્તા ૨૬/૧૧ ના મુંબઈ આતંકવાદી હુમલાની સત્ય ઘટનાઓ અને પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મની વાર્તા મુંબઈની જાણીતી કામા હોસ્પિટલ અને ત્યાં ફરજ બજાવતી બહાદુર નર્સાેની આસપાસ ફરે છે.

૨૬/૧૧ના તે કાળા દિવસે જ્યારે આતંકીઓએ હોસ્પિટલને નિશાન બનાવી હતી, ત્યારે ત્યાંની નર્સાેએ પોતાની જાન જોખમમાં મૂકીને ૪૦૦થી વધુ દર્દીઓ અને નવજાત બાળકોના જીવ બચાવ્યા હતા. આ ફિલ્મમાં કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં છે, જે આ સાહસિક નર્સાેના સંઘર્ષ અને વિરોધ સામે અડીખમ ઊભા રહેવાની ક્ષમતાને પડદા પર જીવંત કરે છે. સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી ‘ભારત ભાગ્ય વિધાતા’ હવે ટેક્સ-ફ્રી થવાને કારણે વધુમાં વધુ લોકો સુધી પહોંચશે અને કમાણીના નવા રેકોર્ડ સર્જશે તેવી આશા સેવાઈ રહી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.