અમેરિકા-ઇરાન વચ્ચે ઐતિહાસિક ડીલ : ૬૦ દિવસ હોર્મુઝ ટોલ-ફ્રી
અમેરિકા-ઇરાન MoUના તમામ ૧૪ મુખ્ય મુદ્દાઓ નક્કી કરાયા
આ કરાર પર હસ્તાક્ષર થતાં જ અમેરિકા ઇરાન સામેની નૌકાબંધી અને અન્ય અવરોધો હટાવવાનું શરૂ કરશે
નવી દિલ્હી,અમેરિકા અને ઇરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સૈન્ય તણાવ અને યુદ્ધની સ્થિતિ પર આખરે પૂર્ણવિરામ મુકાવા જઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે થયેલી આ સમજૂતીના ડ્રાફ્ટને સત્તાવાર રીતે સાર્વજનિક કરવામાં આવ્યો છે. અમેરિકન સરકારના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, આ ૧૪ પોઇન્ટના કરારમાં ઇરાન પરથી આર્થિક પ્રતિબંધો હટાવવા અને વૈશ્વિક સપ્લાય ચેઇનને પુનઃજીવિત કરવા માટેના ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે.
૧) સૈન્ય કાર્યવાહીનો તત્કાલ અંતઃ બંને દેશો તમામ મોરચે પોતાની સૈન્ય પ્રવૃત્તિઓનો તાત્કાલિક અને કાયમી ધોરણે અંત લાવશે.ભવિષ્યમાં એકબીજા સામે કોઈ યુદ્ધ કે સૈન્ય અભિયાન શરૂ કરવામાં નહીં આવે. આ સાથે લેબેનાનની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવામાં આવશે.
૨) આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ નહીંઃ અમેરિકા અને ઇરાન એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો સ્વીકાર કરશે અને કોઈ પણ દેશ એકબીજાની આંતરિક બાબતોમાં દખલગીરી કરશે નહીં.
૩) ૬૦ દિવસની સમયમર્યાદાઃ બંને દેશો આગામી ૬૦ દિવસની અંદર પરસ્પર વાતચીત દ્વારા આખરી કરાર પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. બંને પક્ષોની સંમતિથી આ સમયગાળો વધારી પણ શકાશે.
૪) નાકાબંધી હટાવવીઃ આ કરાર પર હસ્તાક્ષર થતાં જ અમેરિકા ઇરાન સામેની નૌકાબંધી અને અન્ય અવરોધો હટાવવાનું શરૂ કરશે અને ૩૦ દિવસમાં નાકાબંધી સંપૂર્ણપણે ખતમ કરી દેવાશે, જેથી ઇરાન પોતાના જહાજોની અવરજવર યુદ્ધ પૂર્વેના સ્તરે લાવી શકશે.
૫) હોર્મુઝની ખાડી ૬૦ દિવસ માટે ‘ટોલ ફ્રી’ઃ અમેરિકા કરારના ૩૦ દિવસમાં ઇરાનની નજીકના વિસ્તારોમાંથી પોતાના સૈન્ય બળોને પાછા ખેંચશે. બદલામાં ઇરાન પર્શિયન ખાડીથી ઓમાન સાગર સુધીના તમામ કોમર્શિયલ જહાજો માટે ૬૦ દિવસ સુધી ‘મફત અને સુરક્ષિત’ માર્ગ આપશે. ઇરાન આ અંગે ઓમાન સાથે પણ અવિરત દરિયાઈ સેવાઓ માટે ચર્ચા કરશે.
૬) ૩૦૦ અબજ ડૉલરનું આર્થિક પેકેજઃ અમેરિકા પોતાના પ્રાદેશિક સહયોગીઓ સાથે મળીને ઇરાનના પુનર્વસન અને આર્થિક વિકાસ માટે એક ભવ્ય રોડમેપ તૈયાર કરશે. આ યોજના હેઠળ અમેરિકા ઓછામાં ઓછી ૩૦૦ અબજ ડૉલરની ફંડિંગ (આર્થિક સહાય) સુનિશ્ચિત કરશે, જેને લાગુ કરવાનો પ્લાન ૬૦દિવસમાં તૈયાર થશે. ૭) તમામ પ્રતિબંધોમાંથી મુક્તિઃ અમેરિકા ઇરાન પર લાદવામાં આવેલા તમામ પ્રકારના પ્રતિબંધો હટાવવાનું વચન આપે છે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC),IAEA બોર્ડ ઓફ ગવર્નર્સના પ્રસ્તાવો અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા તમામ પ્રાથમિક અને સેકન્ડરી પ્રતિબંધોનો સમાવેશ થાય છે.
૮) પ્રતિબંધો હટાવવા તાકીદની બેઠકઃ બંને દેશો સ્વીકારે છે કે પ્રતિબંધો નાબૂદ કરવાનો મુદ્દો અત્યંત સંવેદનશીલ અને મહત્વનો છે, તેથી આ વિષય પર તાત્કાલિક ગંભીર ચર્ચા શરૂ કરવામાં આવશે.
૯) પરમાણુ હથિયાર ન બનાવવાની ખાતરીઃ ઇરાન સત્તાવાર પુષ્ટિ કરે છે કે તે ભવિષ્યમાં ક્યારેય પરમાણુ હથિયાર બનાવશે નહીં. ઇરાન પાસે હાલમાં ઉપલબ્ધ સંવર્ધિત પરમાણુ સામગ્રીના સ્ટોકનો નિકાલ બંને દેશોની પરસ્પર સંમતિના મેકેનિઝમ દ્વારા કરાશે.
૧૦) યુરેનિયમ સંવર્ધન પર ચર્ચા અને યથાવત સ્થિતિઃ બંને પક્ષો યુરેનિયમ સંવર્ધન અને ઇરાનની શાંતિપૂર્ણ પરમાણુ જરૂરિયાતો પર આખરી ળેમવર્ક મુજબ ચર્ચા કરશે. અંતિમ કરાર ન થાય ત્યાં સુધી ઇરાન પોતાના પરમાણુ કાર્યક્રમની વર્તમાન સ્થિતિ જાળવી રાખશે અને અમેરિકા કોઈ નવા પ્રતિબંધો કે વધારાના સૈનિકો તે વિસ્તારમાં તૈનાત નહીં કરે.
૧૧) તેલ નિકાસ માટે વિશેષ છૂટછાટઃ કરાર અમલી બનતા અને પ્રતિબંધો સંપૂર્ણપણે ન હટે ત્યાં સુધી અમેરિકન નાણાં વિભાગ (US Treasury) ઇરાનના કાચા તેલ, પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ માટે જરૂરી છૂટછાટો આપશે. તેમજ બેંકિંગ ટ્રાન્ઝેક્શન, વીમો અને ટ્રાન્સપોર્ટેશન સેવાઓને પણ ગ્રીન સિગ્નલ આપશે.
૧૨) ફ્રીઝ થયેલી સંપત્તિઓ થશે મુક્તઃ ઇરાનની વિશ્વભરમાં ફ્રીઝ (પ્રતિબંધિત) કરાયેલી તમામ નાણાકીય અસ્કયામતો અને સંપત્તિઓને સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવશે અને તેને રિલીઝ કરવાની પ્રક્રિયા પરસ્પર સંમતિથી નક્કી થશે.
૧૩) મોનિટરિંગ માટે એક્ઝિક્યુટિવ મેકેનિઝમઃ આ કરારના સફળ અમલીકરણ અને ભવિષ્યમાં તેના નિયમોનું ચુસ્ત પાલન થાય છે કે નહીં તેની દેખરેખ રાખવા માટે એક સંયુક્ત ‘એક્ઝિક્યુટિવ મેકેનિઝમ‘ (નિરીક્ષણ સમિતિ) સ્થાપિત કરવામાં આવશે.
૧૪) યુએન સુરક્ષા પરિષદ (UNSC) ની મંજૂરીઃ અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલા આ આખરી ઐતિહાસિક શાંતિ કરારને વૈશ્વિક સ્તરે કાયદેસરતા આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ની સત્તાવાર મંજૂરી મેળવવામાં આવશે. SS1
