આદિત્ય બની મહિલાઓનું શોષણ કરનાર કરીમ સિપાહી વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ
હિન્દુ મહિલા સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
કેટલીક વિધવા મહિલાઓએ બીજા લગ્ન કરી લીધા હોવાથી પોતાનું દામ્પત્ય જીવન ન બગડે તે માટે ફરિયાદ કરવા તૈયાર નથી
અમદાવાદ,આદિત્ય બનીને ૧૦૦થી વધુ હિન્દુ મહિલાઓને ફસાવનાર કડીના કરીમ સિપાહી વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કરીમે એક મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કરીને મહિલા પાસેથી ખંડણી માગી હતી. જે અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક મહિલા સાથે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી હતી. હાલ કરીને પીઠબળ પૂરું પાડનાર તત્વોની તપાસ શરૂ કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના કડીના કરીમે નકલી નામ આદિત્ય પટેલ ધારણ કરીને મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા વિધવા મહિલાઓનો સંપર્ક કર્યાે હતો.
જેમાંથી એક મહિલા સાથે વાતચીત કરી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ૪૪ વર્ષીય મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. કરીમે મહિલા સાથેના વીડિયો પણ બનાવ્યા હતા, જે વાયરલ કરી દેવાની ધમકી આપી મહિલા પાસે ખંડણી માગી હતી.આ ઉપરાંત કરીમે મહિલાઓને ફસાવવા આદિત્ય પટેલ નામનું નકલી આધાર કાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ સહિત પોતાના દસ્તાવેજો અને માતા-પિતાના પણ નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. એટલું જ નહીં, કરીમે મહિલાઓનો વિશ્વાસ જીતવા માટે પત્નીનું મૃત્યુ થયું હોવાનું નકલી સર્ટિફિકેટ પણ બનાવ્યું હતું.
જેથી કરીમ સામે નકલી સરકારી દસ્તાવેજો બનાવવા અંગેની કલમોનો પણ ફરિયાદમાં ઉમેરો કરવામાં આવ્યો છે.કરીમના મોબાઇલમાં ૧૦૦થી વધુ હિન્દુ મહિલાઓની પ્રોફાઇલ મળી આવી છે. તપાસ દરમિયાન પોલીસ કેટલીક મહિલાઓ સુધી પહોંચી પણ હતી. કેટલીક વિધવા મહિલાઓએ બીજા લગ્ન કરી લીધા હોવાથી પોતાનું દામ્પત્ય જીવન ન બગડે તે માટે ફરિયાદ કરવા તૈયાર નથી. જોકે, પોલીસ દ્વારા તમામ મહિલાઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેથી કરીમ સામે ભવિષ્યમાં વધુ ફરિયાદો નોંધાઈ શકે છે.SS1
