Western Times News

Gujarati News

બે લોકો સાથે યુકેના વર્ક વિઝાના નામે ૩૪.૩૯ લાખની ઠગાઇ

પોલિટેકનિક કોલેજની મહિલા પ્રોફેસર સહિત ઇંગ્લેન્ડમાં ઓફિસ ધરાવી વિઝાનું કામ કરતા શખ્સે એકાઉન્ટ ક્લોઝર એગ્રીમેન્ટ મોકલી આપ્યો

અમદાવાદ, સરકારી પોલિટેકનિક કોલેજની મહિલા પ્રોફેસર અને તેની ફ્રેન્ડ સાથે ઇંગ્લેન્ડમાં ઓફિસ ધરાવી વિઝાનું કામ કરતા શખ્સે છેતરપિંડી આચરી છે. આરોપીએ યુકેના વર્ક પરમિટ વિઝાનું કામ લઇને બંને મહિલા પાસેથી ટુકડે ટુકડે ૩૫.૦૨ લાખ મેળવી લીધા હતા. જે બાદ વિવિધ બહાના બતાવીને કામ ન કરી આપીને એકાઉન્ટ ક્લોઝર એગ્રીમેન્ટ મોકલી આપીને માત્ર ૬૨ હજાર પરત આપ્યા હતા. લાંબા સમયથી આરોપીએ કુલ રૂ. ૩૪.૩૯ લાખ પરત ન આપીને છેતરપિંડી આચરતા આ મામલે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દક્ષિણ ગુજરાતમાં આવેલી એક સરકારી પોલિટેકનિક કોલેજમાં લેક્ચરર તરીકે કામ કરતી મહિલાને વિદેશ જવાની તમન્ના હતી. જેથી વર્ષ ૨૦૨૪માં તેણે ઓસ્ટ્રેલિયાની વર્ક પરમિટ માટે વિઝા લેવા બાબતે અમદાવાદમાં રહેતી સ્કૂલ ફ્રેન્ડને વાત કરી હતી. સ્કૂલ ફ્રેન્ડે ઇમિગ્રેશનનું કામ કરતા જૂના પાડોશીને આ બાબતે વાત કરી હતી. પરંતુ વય મર્યાદાના કારણે વિઝાનું કામ થયું નહોતું. જેથી ત્યારબાદ મહિલાને યુકેના વર્ક વિઝા માટે વાત કરતા તેણે સહમતી દર્શાવી હતી. આ દરમિયાનમાં ઇંગ્લેન્ડમાં વારાહી ગ્‰પ લી. નામની ઓફિસ ધરાવતા ધવલ ગડાણી સાથે સંપર્ક થયો હતો.

તેણે વોટ્‌સએપ ગ્‰પ બનાવીને પ્રોસેસ અને પેમેન્ટ સહિતની વાતો કરી હતી. જે બાદ બે લોકોનો ૫૦ લાખ ખર્ચ જણાવ્યો હતો. જેથી મહિલા અને તેની ફ્રેન્ડે વિદેશ જવાનું નક્કી કરતા આ ધવલ ગડાણીએ પ્રોફાઇલ રિવ્યુ માટે અઢી લાખ મેળવી લીધા હતા. બાદમાં એગ્રીમેન્ટ કરી આપીને વિવિધ પ્રોસેસના ખર્ચ પેટે ટુકડે ટુકડે રૂ. ૩૫.૦૨ લાખ મેળવી લીધા હતા. જોકે, કામ ન થતાં બંને ભોગ બનનારે વર્ક વિઝા બાબતે પૂછપરછ કરતા ધવલે રિસપોન્સ આપ્યો નહોતો. જે બાદ સ્પોન્સર લેટર સિસ્ટમમાં આપ્યો છે પણ તેમાં સ્પેલિંગ ભૂલ હોવાથી ફાઇલ અટકી હોવાના બહાના કરીને ખોટા વાયદા કર્યા હતા.

જેથી બંનેએ નાણાં પરત માંગતા આરોપીએ એકાઉન્ટ ક્લોઝર એગ્રીમેન્ટ મોકલી આપીને માત્ર ૬૨ હજાર પરત આપ્યા હતા. આમ, ધવલ ગડાણીએ રૂ. ૩૪.૩૯ લાખ ન આપીને છેતરપિંડી આચરતા ભોગ બનનારે આ મામલે ધવલ ગડાણી સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.