Gandhinagar Civil હોસ્પિટલના OTમાંથી 10 લાખનું ઓર્થોસ્કોપી મશીન ચોરાયું
પ્રતિકાત્મક
- અસ્થિરોગ વિભાગના ઓપરેશન થિયેટરમાંથી કિંમતી મશીન ગાયબ, સીસીટીવી ફૂટેજની તપાસ
-
ગાંધીનગર સમાચાર: સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાંથી લાખોનું મશીન ગાયબ થતાં પોલીસ ફરિયાદની તૈયારી
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓટીમાંથી રૂ.૧૦ લાખનું ઓર્થોસ્કોપી મશીન ગાયબ -હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પેચિદો પ્રશ્ન, ઓપરેશન થિયેટરમાં ફરજ બજાવતા સ્ટાફની પૂછપરછ
ગાંધીનગર, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાંથી ૧૦ લાખનું ઓર્થોસ્કોપી મશીન ગાયબ થઈ જવાની ઘટનાથી હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ હાલના તબક્કે હોસ્પિટલ તંત્ર દ્વારા આંતરિક રીતે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક (અસ્થિરોગ) વિભાગના ઓપરેશન થિયેટરમાંથી અંદાજિત રૂ.૧૦ લાખથી વધુની કિંમતનું અત્યાધુનિક ઓર્થોસ્કોપી મશીન રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ છે. લાખો રૂપિયાનું સરકારી મશીન ગુમ થવાની આ ઘટનાને પગલે હોસ્પિટલ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને સિવિલ સત્તાધીશો દ્વારા આ મામલે આંતરિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલના જે ઓપરેશન થિયેટરમાં માત્ર અધિકૃત તબીબો અને સ્ટાફને જ પ્રવેશ મળતો હોય છે, ત્યાંથી આટલુ મોટું અને કિંમતી મશીન ગાયબ થઈ જતાં હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા થયા છે.
પ્રાથમિક વિગતો મુજબ, દર્દીઓના હાથ અને પગના સાંધાની તપાસ તેમજ જટિલ સર્જરી માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. મશીન કયાં ગાયબ થયું અને તેની પાછળ કોની બેદરકારી છે, તે દિશામાં સિવિલ પ્રશાસને તપાસ તેજ કરી છે. સીસીટીવી કૂટેજ અને ઓપરેશન થિયેટરમાં ફરજ બજાવતા સ્ટાફની પુછપરછ શરૂ કરવામાં આવી છે.
હોસ્પિટલ સત્તાધીશોના જણાવ્યા અનુસાર મશીનની શોધખોળ ચાલુ છે અને જો કોઈ સંતોષકારક કડી નહીં મળે તો આ મામલે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
