Western Times News

Gujarati News

Gandhinagar: સિવિક ફરિયાદો ઉકેલ્યા વગર જ બંધ કરવાનું કૌભાંડ, મ્યુનિ. કમિશનર ગુસ્સે ભરાયા

File Photo

  • CM Dashboard Monitoring: સીએમ ડેશબોર્ડના ડરથી ગાંધીનગરના અધિકારીઓએ રમી રમત, એન્જિનિયરિંગ શાખા રડારમાં

  • ગાંધીનગર કોર્પોરેશન: પ્રજાની ફરિયાદો દફતરે કરવાની કુટેવ બદલો, મ્યુનિ. કમિશનર જે.એસ. પ્રજાપતિની કડક ચેતવણી

ગાંધીનગરમાં જનફરિયાદો દફતરે કરવાની કુટેવ સામે કમિશનર ખફા -CM ડેશબોર્ડથી મોનિટરિંગ થતું હોવાથી અધિકારીઓએ શોર્ટ કટ અપનાવ્યો હતો

ગાંધીનગર, પાટનગર ગાંધીનગરમાં જ જનતાના અવાજને રુંધવાના સુનિયોજિત પ્રયાસો લાંબા સમયથી ચાલી રહ્યા હતા. રસ્તા, ગટર, સ્વચ્છતા જેવી રોજિંદી ફરિયાદોનો ઉકેલ લાવવાના બદલે કેટલાક શાખા અધિકારીઓએ ફરિયાદોને સીધી દફતરે કરી પોતાનો રેકોર્ડ સુધારવા પ્રયાસ કર્યો હતો.

તાજેતરમાં યોજાયેલી રિવ્યૂ બેઠક દરમિયાન મ્યુનિ. કમિશનરે લાઈવ ચેકિંગ કરી અધિકારીઓની ‘ચમત્કારિક કામગીરી’ની પોલ પકડી લીધી હતી. તેમણે તમામ અધિકારીઓને જન ફરિયાદની ચકાસણી કર્યા વગર સીધી દફતરે (કલોઝ) કરવાની પરંપરા બંધ કરવા કડક સૂચના આપી હતી.

કેટલાક ચાલાક અધિકારીઓએ ફરિયાદનો નિકાલ લાવવા માટે મહેનત કરવાના બદલે કેટલીક ફરિયાદો સીધી દફતરે કરવાની પરંપરા ઉભી કરી હતી. જેના કારણે અરજદારને ફરિયાદ કલોઝ થયાનો મેસેજ મળી જતો હતો.

વળી, ઓનલાઈન ફરિયાદની સીસ્ટમ પર મુખ્યમંત્રી ડેશબોર્ડ દ્વારા સીધી દેખરેખ રાખવામાં આવતી હતી. જેથી સત્તાવાર રેકોર્ડમાં પોતાની કામગીરી પેન્ડિંગ ન રહે તે માટે અધિકારીઓ વિશેષ સાવચેતી રાખતા હતા.

તંત્રની છબિ ખરડાતી હોવા બાબતે કેટલાક જાગૃત નાગરિકોએ મ્યુનિ. કમિશનર જે.એસ. પ્રજાપતિ સમક્ષ રજુઆત કરી હતી જેના પગલે મ્યુનિ. કમિશનરે રીવ્યૂ બેઠક દરમિયાન નાગરિકોની ફરિયાદ અને તેની સ્થિતિ અંગે સવાલ પૂછયા હતા. અધિકારીઓએ ગોળ-ગોળ જવાબ આપવાનું પસંદ કરતાં મ્યુનિ. કમિશનરે રેન્ડમલી એક ફરિયાદ નંબર અંગે વાત શરૂ કરી હતી.

જેમાં બહાર આવ્યું હતું કે, અધિકારીએ સ્થળ-સ્થિતિ જાણ્યા વગર જ તેને દફતરે કરી દીધી હતી. આ રીતે ફરિયાદો દફતરે થયાના સંખ્યાબંધ કિસ્સા ધ્યાને આવ્યા બાદ મ્યુનિ. કમિશનરે દરેક ફરિયાદનો નિયમ સમયમર્યાદામાં નિકાલ કરવા શાખા અધિકારીઓને કડક તાકિદ કરી હતી અને દર અઠવાડિયે રીવ્યૂ બેઠકમાં આ અંગેનો રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રોજની સરેરાશ ૪પ જેટલી ઓનલાઈન ફરિયાદો મળતી હતી, તેમાં સૌથી વધુ ફરિયાદો એન્જિનિયરિંગ અને સેનિટેશન શાખાની હોય છે. નિકાલ લાવ્યા વગર જ ફરિયાદો દફતરે કરી દેવાઈ હોય અથવા મહિનાઓ સુધી નિકાલ ન આવ્યો હોય તેવી સૌથી વધુ ફરિયાદો એન્જિનિયરિંગ શાખાની છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.