Western Times News

Gujarati News

સ્ટોર્મ વોટર લાઇન કૌભાંડઃ ત્રણ કોન્ટ્રાક્ટર પાસેથી ₹1.63 કરોડની રિકવરી

AI Image

ખોટા બિલો મંજૂર કરાવી મોટો ભ્રષ્ટાચાર કર્યાના ખુલાસા બાદ સ્ટોર્મ વોટર લાઇન નાખવાનાં કામમાં ૩.૭૬ કરોડ ચાંઉ કરી જનારા ત્રણ કોન્ટ્રાક્ટર પાસેથી ૧.૬૩ કરોડની રિકવરી

પૂર્વ ઝોનનાં કૌભાંડમાં એડિ. ઇજનેર સહિત ૪ અધિકારી સામે FIR થશે

અમદાવાદ, સમગ્ર મ્યુનિ.તંત્રમાં ખળભળાટ મચાવનારા પૂર્વ ઝોનનાં સ્ટોર્મ વોટર લાઇન નાખવાનાં કામોમાંથી કંઇ જ કામ કર્યા વગર બારોબાર ૩.૭૬ કરોડ ચાંઉ કરી જનારા એડિશનલ સિટી ઇજનેર રાજેશ રાઠવા સહિતનાં ચાર અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની સૂચના સ્ટે.કમિટીમાં અપાઈ હતી.સ્ટે.કમિટી ચેરમેન કમલેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, સ્ટોર્મ વોટર લાઇન નાખવા ત્રણ કોન્ટ્રાક્ટરોનાં ટેન્ડર મંજૂર કરાયા હતા. આ કોન્ટ્રાક્ટરો અને પૂર્વ ઝોન ઇજનેર ખાતાનાં એડિશનલ સિટી ઇજનેર રાજેશ રાઠવા, ઉત્કર્ષ ભાભોર, રમેશ બારૈયા અને અલ્પેશ મકવાણા સહિતનાં ચાર અધિકારીઓએ કોઇ કામ કર્યા વગર ૩.૭૬ કરોડનાં ખોટા બિલો મંજૂર કરાવી મોટો ભ્રષ્ટાચાર આદર્યાે હોવાનાં પુરાવા બાદ કમિશનરે આ પ્રકરણની વિજિલન્સ તપાસ સોંપી હતી.

વિજિલન્સ તપાસનાં પ્રાથમિક રિપોર્ટમાં જ ત્રણ કોન્ટ્રાક્ટર અને ઝોનનાં ઇજનેર ખાતાનાં અધિકારીઓએ ભેગા મળીને સ્ટોર્મ વોટર લાઇન નહિ નાખી હોવા છતાં ખોટા બિલો બનાવી ૩.૭૬ કરોડની ઉચાપત કરી હોવાથી ચારેયને સસ્પેન્ડ કરી કોન્ટ્રાકટરો સામે કાર્યવાહી હાથ ધરી ત્રણ કોન્ટ્રાકટરો પાસેથી હાલ તો ૧.૬૦ કરોડની રિકવરી કરાઈ છે. બાકીની રકમ પણ વસૂલ કરવાની કાર્યવાહી કરવા કમિશનરને સૂચના આપવામાં આવી છે તેમજ ચારેય અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવી દેવાયું છે.

કોઇ કારણસર મ્યુનિ.તંત્ર દ્વારા આ ચાર ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાથી સ્ટે.કમિટીમાં આ પ્રકારની સૂચના આપવી પડે તે મોટી વાત છે.સ્ટે.કમિટી ચેરમેને તો ત્યાં સુધી કહ્યું કે, આ ચારેય અધિકારી સામે આવક કરતાં વધુ મિલકત હોય તેવી શંકા રાખીને તેની તપાસ પણ કરવા તંત્રને સૂચના આપી હતી. તેમણે વધુ વિગતો આપતાં કહ્યું કે, પૂર્વ ઝોનનાં વસ્ત્રાલ વોર્ડમાં સ્ટોર્મ વોટર લાઇન નાખવા માટે મીરલ ઇન્ળા પાસેથી ૧૦.૫૨ લાખ રૂપિયા, રામોલ હાથીજણમાં સ્ટોર્મ વોટર લાઇન નાખવાનાં પ્રોજેક્ટનાં કોન્ટ્રાક્ટર વિસત કન્સ્ટ્રકશન પાસેથી ૭૧.૪૧ લાખ અને ધૃવિ બિલ્ડકોન પાસેથી ૮૧.૭૦ લાખ મળી કુલ ૧.૬૩ કરોડ વસૂલાયા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.