૨૦૨૫-૨૬ માટે ઇપીએફની જમા રકમ પર ૮.૨૫ ટકા વ્યાજ ચૂકવાશે
File PHoto
ચાલુ મહિનાનાં અંત સુધીમાં વ્યાજ જમા થઇ જવાની સંભાવના
સાત કરોડથી વધારે સભ્યોને લાભ થશે : સતત ત્રીજા વર્ષે ૮.૨૫ ટકા વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કર્મચારીઓનાં પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ)ની જમા રકમ પર ૮.૨૫ ટકા વ્યાજ ચૂકવવાને મંજૂરી આપી છે. આ નિર્ણયને પગલે સાત કરોડથી વધુ સભ્યોનાં ખાતામાં આ મહિનાનાં અંત સુધીમાં વ્યાજની રકમ જમા થઇ જવાની સંભાવના છે. ઇપીએફઓ નાણા મંત્રાલય દ્વારા સરકાર દ્વારા મંજૂરી મળ્યા પછી ઇપીએફ પર વ્યાજ દર નક્કી કરે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી) દ્વારા નક્કી કરવામાં આવેલા ૮.૨૫ ટકા વ્યાજ પર પોતાની સંમતિ આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે સીબીટી એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ની સૌથી મોટી નિર્ણય લેનારી સંસ્થા છે. આ અગાઉ ૨ માર્ચ, ૨૦૨૬નાં રોજ કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલ સીબીટી બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૮.૨૫ ટકા વ્યાજ દર નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સતત ત્રીજા વર્ષે ઇપીએફમાં જમા રકમ પર ૮.૨૫ ટકાનો વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આ પ્રસ્તાવને મંજૂરી માટે નાણા મંત્રાલયમાં મોકલવામાં આવ્યો હતો. નાણા મંત્રાલયે તપાસનાં અંતે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે.
ટૂંક સમયમાં શરૂ થનારા ઇપીએફઓ ૩.૦ ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ ઇપીએફઓનાં સભ્યો ટૂંક સમયમાં જ યુપીઆઇ એપ્સ અને ઇપીએફ લિંક્ડ એટીએમ દ્વારા પોતાના પ્રોવિડન્ટ ફંડનાં નાણાં ઉપાડી શકશે.સૂત્રોનાં જણાવ્યા અનુસાર જૂનનાં અંત સુધીમાં આ સુવિધા શરૂ કરી દેવામાં આવશે. યુઝર્સ યુપીઆઇ અને યુપીઆઇ એનેબલ્ડ એટીએમનો ઉપયોગ કરી પોતાના ઇપીએફ ખાતામાં જમા રકમનાં ૭૫ ટકા નાણાં ઉપાડી શકશે.SS1
