Western Times News

Gujarati News

Ahmedabad: નિકોલ આવાસ યોજના, હાટકેશ્વર સર્કલ સહિત 7 વરસાદી પાણી ભરાવવાના મોટા સ્પોટ 

File Photo

(પ્રતિનિધિ) અમદાવાદ, ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાથી લઈને અલગ અલગ સમસ્યાઓનો સામનો શહેરીજનોને કરવો પડતો હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ભાજપના નેતાઓ દ્વારા ચોમાસાને લઈને બેઠક કરવામાં આવી હતી.

મેયર સહિતના પદાધિકારીઓએ તેમના સૂચન કર્યા હતા. શહેરમાં કુલ 147 જેટલા વરસાદી પાણી ભરાવવાના સ્થળો હતા. જેમાં 39 જેટલા વરસાદી ભરાવાની સમસ્યાને દૂર કરવામાં આવી છે જ્યારે 108 જેટલા સ્થળો ઉપર વરસાદી પાણી ભરાઈ શકે છે જેમાં સૌથી વધારે 25 જેટલા સ્થળો પર ચોક્કસ વરસાદી પાણી ભરાશે. જ્યાં પણ પાણી ભરાય ત્યાં નાના- મોટા 115 જેટલા પંપો મારફતે વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે.

ખાસ કરીને વરસાદમાં  ઇલેક્ટ્રીક કરંટ લાગવાના બનાવો પણ વધારે બનતા હોય છે. ગત વર્ષે નારોલ અને દરીયાપુર વિસ્તારમાં વરસાદમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા હતા ત્યારે સ્ટ્રીટ લાઈટના થાંભલાઓમાં અગાઉથી જ ચેકિંગ કરી અને કામગીરી કરવામાં આવી હોવાના દાવા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કરવામાં આવ્યા છે.

જોકે અત્યાર સુધીમાં શહેરમાં આવેલા સ્ટ્રીટ લાઈટના થાંભલાઓમાં 40 ટકા જેટલા જ થાંભલાઓની અત્યાર સુધી ચકાસણી કરીને કામગીરી કરવામાં આવી છે. શહેરમાં 217924 જેટલા સ્ટ્રીટ લાઈટના થાંભલા આવેલા છે જેમાં અત્યાર સુધીમાં 82075 જેટલા થાંભલાઓમાં જ સાવચેતીના ભાગરૂપે તપાસ કરીને કામગીરી કરવામાં આવી છે.

વોટર રિસોર્સ વિભાગના સીટી ઇજનેર વિજય પટેલે જણાવ્યું હતું કે ચોમાસાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં 147 જેટલા વરસાદી પાણી ભરાવાના સ્થળો હતા જેમાંથી 39 સ્થળો દૂર થયા છે જ્યારે 108 જગ્યા પર વરસાદી પાણી ભરાય શકે છે.

જેમાં હાલમાં સાતમાં કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદી પાણી ભરાવવાની સમસ્યાને દૂર કરવા માટે નવા પંપીંગ સ્ટેશન અને લાઈનો નાખવાની કામગીરી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ છ થી સાત કલાક વરસાદી પાણી ભરાવવાની સમસ્યા હતી તેમાં ઘટાડો થઈને ચારથી પાંચ કલાક થઈ છે.

શહેરમાં ખૂબ વરસાદી પાણી ભરાય એવા નિકોલ મધુમાલતી આવાસ યોજના, હાટકેશ્વર સર્કલ સહિત સાત જેટલા વરસાદી પાણી ભરાવવાના મોટા સ્થળો છે તેમાં દરેક જગ્યાએ પંપો મૂકવા અને મજૂરો મૂકવાની કામગીરી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કુલ 40 જેટલા વરૂણ પમ્પ છે જે પંપો મારફતે વરસાદી પાણી ઝડપથી નિકાલ લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. વરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા તળાવમાં ઇન્ટરલિન્કિંગ કરવામાં આવ્યું છે જેને લઈને ઝડપથી વરસાદી પાણીનો નિકાલ થશે.

વધુમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટની કામગીરી કરવામાં આવી છે જેમાં નવા બોક્સ નાખવામાં આવે છે જેમાં કેનાલની ઊંડાઈ વધી છે અને જોડાણ કરવામાં આવે છે જેથી ખારી કટ કેનાલની આસપાસમાં આવતા વિરાટ નગર, ઓઢવ, નરોડા, વસ્ત્રાલ, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં ઝડપથી પાણી ઉતરશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરના અલગ અલગ ચાર રસ્તા ના જંકશન ઉપર સ્માર્ટ સિટીના 1746 કેમેરા અને અંડરપાસમાં 44 કેમેરા થઈ 1760 કેમેરા દ્વારા પાલડી ખાતે બનાવવામાં આવેલા મોન્સૂન કંટ્રોલરૂમ થી નજર રાખવામાં આવશે. શહેરમાં આવેલા 26 અંડર પાસોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે અને બૂમ બેરિયર તેમજ ગેટ મૂકવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા પણ હોવાથી જ્યારે વધારે વરસાદ ભરાય ત્યારે તાત્કાલિક ધોરણે તેને બંધ કરવાની કામગીરી કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જગ્યાએ ખોદાણ કરવામાં આવ્યું હોય ત્યાં રોડ બેસી જવાની સંભાવના હોય તેવા સ્થળોએ યોગ્ય રીતે પુરાણ કરવાની કામગીરી કરવામાં આવી છે અને જ્યાં પણ રોડ બેસી જાય એવી સંભાવના તેવા સ્થળે બેરીકેડિંગ અને સૂચન બોર્ડ પણ મૂકવામાં આવશે જેથી આ સ્થળો ઉપર લોકો પસાર થતી વખતે સાવચેતીથી પોતાના વાહન લઈને પસાર થઈ શકે.

શહેરમાં વરસાદ અંગેની માહિતી મેળવવા માટે કુલ 42 જેટલા ઓટોમેટિક રેન ગેજ લગાવવામાં આવ્યા છે જેના મારફતે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો તેની માહિતી મળી રહેશે પૂર્વ વિસ્તારમાં 20 અને વિસ્તારમાં 22 એમ 42 જેટલા રેન ગેજ પણ લગાવવામાં આવ્યા છે.

 

 

મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે ચોમાસા ને લઈને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી જે બેઠકમાં શહેરીજનોને જ્યારે વરસાદ પડે ત્યારે કોઈ તકલીફોનો સામનો ન કરવો પડે તેને લઈને ઝડપી વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવા માટે સૂચના આપી હતી. તમામ કન્ટ્રોલ રૂમના નંબર દરેક કોર્પોરેટરોને ઉપબ્ધ કરાવવાના રહેશે. જે તે જગ્યાએ થતા વોટર લોગીંગની માહીતી સ્થાનિક કોર્પોરેટરોને આપવી તથા ભારે વરસાદની પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે વિગતવાર માહિતી ડેપ્યુટી મ્યુનિ.કમિશનર મારફતે રીપોર્ટ પદાધિકારીઓને આપવો અને હાલનાં વિસ્તાર તથા નવા ભળેલા વિસ્તારોમાં જરૂરી જગ્યાએ કન્ટ્રોલ રૂમનુ આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.